આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં અષાઢ જામ્યો: ૧૬૦ તાલુકાઓમાં મેઘમહેર, કડી-વિરમગામમાં 3 ઈંચથી વધુ વરસાદ

અમદાવાદ: અષાઢ મહિનાના પ્રારંભે જ અનરાધાર મેઘમહેર થઈ રહી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીની પગલે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, આણંદ, તાપી અને નવસારી જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ૨૯ જૂનના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૧૬૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ કડી અને વિરમગામમાં અનુક્રમે ૩.૫૮ ઇંચ અને ૩.૩૧ ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યના ૧૬૦ તાલુકાઓમાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર ૨૯ જૂનના રોજ સાંજે ૬ વાગ્યા સુધી રાજ્યના ૧૬૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ કડી અને વિરમગામમાં અનુક્રમે ૩.૫૮ ઇંચ અને ૩.૩૧ ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત કલોલમાં ૨.૦૫, ઉમરપાડામાં ૧.૯૩ ઇંચ, દેત્રોજમાં ૧.૮૫ ઇંચ, સાવલી ૧.૬૧ ઇંચ, પેટલાદ ૧.૩૪ ઇંચ, બાવળા ૧.૨૨ ઇંચ, વ્યારા ૧.૨૨ ઇંચ, સોનગઢમાં ૧.૧૪ ઇંચ, ખેરગામમાં ૧.૧ ઇંચ, માણસામાં ૧.૦૬ ઇંચ તેમજ આણંદ, કુકરમુંડા અને નવસારીમાં ૧.૦૨ ઇંચ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 187 તાલુકામાં મેઘમહેર, જાણો કયાં પડ્યો સૌથી વધુ વરસાદ

૨૯ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ

દસાડા, નિઝર, પલસાણા, ડોલવણ, કાલોલ, જલાલપોર, ગાંધીનગર, દેડિયાપાડા, ભિલોડા, ધાનેરા, માંડલ, વાંસદા સહિત રાજ્યના ૨૯ તાલુકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વિરમગામ અને માંડલમાં દોઢ કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ પડતાં પાણી ભરાયા હતા. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિત રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાય જતાં વિરમગામ નગરપાલિકાની પ્રિ-મોન્સુન પ્લાન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી.

વિરમગામના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી

વિરમગામ શહેર ઉપરાંત તાલુકાના ગામડાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. વિરામગામના ભોજવા, ડુમાણા, હાંસલપુર, જુનાપાઘર, નીલકી, સોકલી, વલાણા કોકતા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. માંડલમાં સતત વરસાદથી મામલતદાર કચેરી બહાર, દસાડા રોડ ઉપરની સોસાયટીમાં, ચબૂતરા ચોક અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button