ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ 34 તાલુકામાં વરસાદ…

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે. દસથી 14 જૂન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેમ જ 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી.
રાજ્યમાં એકંદરે વરસાદનું જોર ઘટ્યું છે, તેમાંય વળી છેલ્લા 12 કલાકમાં માત્ર 34 તાલુકામાં જ વરસાદ વરસ્યો હતો. નવસારીના ખેરગામ તાલુકામાં સૌથી વધુ 1.89 ઈંચ વરસાદ પડ્યો હતો. ધરમપુરમાં 1.77 ઈંચ, વાંસદામાં 1.38 ઈંચ, ઉમરપાડામાં 0.94 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ત્રણ તાલુકામાં એક ઈંચથી વધારે અને 31 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 47.38 ટકા વરસાદ પડી ચુક્યો છે. કચ્છમાં સૌથી વધુ 56.91 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 51.75 ટકા, સૌરાષ્ટ્રમાં 46.57 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 45.58 ટકા અને ઉત્તર ગુજરાતમાં 41.78 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદના કારણે સરદાર સરોવર ડેમ 48.82 ટકા ભરાઈ ચુક્યો છે.
રાજયના 206 જળાશયમાં હાલ 56.11 ટકા જળસંગ્રહ છે. રાજ્યના 25 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 52 ડેમ 70થી 100 ટકા, 43 ડેમ 50થી 70 ટકા, 42 ડેમ 24થી 50 ટકા અને 44 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 38 ડેમ હાઈ એલર્ટ, 18 એલર્ટ અને 21 વોર્નિંગ પર છે. રાજ્યમાં 3 સ્ટેટ હાઈ-વે, પંચાયત હસ્તકના 70 રસ્તા સહિત કુલ 77 માર્ગો બંધ છે.