રાજ્યમાં હિટવેવના પ્રકોપ વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી
ગાંધીનગરઃ રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થશે, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગહી કરવામાં આવી છે, તે મુજબ 11થી 13 તારીખ સુધી કમોસમી માવઠાની આગાહી કરવામા આવી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11 મેથી 3 દિવસ વરસાદની આગાહી છે.
રાજયમાં છેલ્લા દોઢ મહિનાથી ગરમીએ હાહાકાર મચાવ્યો છે. મે માસના આરંભથી અગનવર્ષા કરી રહ્યા છે. આ દરમિયાન ગઇકાલે ગુરૂવારે રાજયના દશ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરનું તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી, અમરેલીનું તાપમાન 42 ડિગ્રી સેલ્સીયશ રહેવા પામ્યું હતું.
અરબી સમુદ્ર પર સર્જાયેલું અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરતું સાયકલોની સકર્યુલેશન વધુ પ્રભાવક બન્યું છે અને તારીખ 11 ને શનિવારથી પ્રિમોન્સૂન એકિટવિટી શરૂ થવાની સંભાવના હવામાન ખાતાની દર્શાવી છે. સાયકલોનીક સકર્યુલેશન ના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. તો રાજ્યના તમામ વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત છે. આ બંને પરિસ્થિતિના કારણે તારીખ 11 ના રોજ ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રવિ– સોમવારે ડાંગ ઉપરાંત છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની શકયતા છે. આજે સવારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો દ્રારકા ઓખા પોરબંદર નલિયા કંડલા સહિતના વિસ્તારોમાં 80 થી 85 ટકા ભેજ નોંધાયો છે. ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી આસપાસ રહેવા પામ્યું છે.
પ્રિ મોનસુન એકિટવિટીના ભાગપે વરસાદ થશે તો ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની શકયતા હવામાન ખાતા એ વ્યકત કરી છે. માવઠાને કારણે ગરમીને બ્રેક લાગશે અને બફારાનું પ્રમાણ વધી જશે, વાતાવરણમાં ફેરફારની પ્રક્રિયા આમ તો છેલ્લા બે દિવસથી જોવા મળે છે.
પરંતુ આજથી સિસ્ટમ વધુ પ્રભાવશાળી બની છે અને શનિવારથી દક્ષિણ તથા ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પ્રિ–મોનસૂન એકિટવિટી અને તેના પગલે માવઠાની આગાહી કરવામાં આવી છે.