Gujarat માં આગામી ત્રણ દિવસ Heatwave યથાવત રહેશે, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat )સતત બે દિવસથી વધી રહેલી ગરમી હજુ આગામી ત્રણ દિવસ યથાવત રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ, ભાવનગર, વલસાડ અને પોરબંદરમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. જેને લઈને રાજ્યના અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આણંદ અને સુરેન્દ્રનગરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગરમ પવનો ફૂંકાઈ શકે છે
જ્યારે આગામી 23 મે સુધી અમદાવાદ, કચ્છ, ભાવનગર, આણંદ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર, વડોદરા, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, નવસારી, મોરબી, જૂનાગઢ, સુરત અને ભરૂચમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. તેમજ તેના લીધે ગરમીના પ્રમાણમાં વધારો પણ થઈ શકે છે.
ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી ગયો
હવામાન વિભાગના આંકડા અનુસાર રવિવારે ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો. જેમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45.3 ડિસામાં મહત્તમ તાપમાન 45.1, અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.9 ડિગ્રી પહોંચ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર, વિદ્યાનગર, વડોદરા, ભાવનગર અને અમરેલી સહિત મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહ્યું હતું. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર રહ્યો હતો.
લૂ લાગવાના કેસમાં પણ વધારો
રાજ્યભરમાં સતત ગરમીનો પારો ઉંચકાઇ રહ્યો છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 12મી મેથી 18મી મે સુધીમાં છેલ્લા એક અઠવાડિયામાં 108ને વિવિધ બીમારી ના 529 જેટલા કોલ આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ અતિશય પડી રહેલી ગરમીના કારણે બિમારીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 12 થી 17 મે સુધીમાં અમદાવાદમાં કુલ 73 ઇમરજન્સી કોલ નોંધાયા છે.