આજથી ફરી હીટવેવની આગાહી! ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતા…

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહ ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાયો છે. સતત છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરી હતી. પવનની દિશા હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ હોવાથી રણ પ્રદેશના સૂકા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેથી ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે.
આ જિલ્લાઓમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરાયું
આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ગરમીનો યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક બાદથી ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલું છે જેના કારણે તાપમાનમાં ફરીથી વધારાની આગાહી હવામાન વિભાગે કરી હતી.
ગુજરાતમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ દિવસ હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. 15થી 17મી એપ્રિલ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ; સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે. આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને પાર થાય એવી શક્યતા છે. ઉષ્ણ લહેરની ચેતવણીની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી
આ સાથે તેમણે જણાવ્યુ હતું કે, 15થી 17મી તારીખ સુધી દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. ગુજરાતના દરિયાકિનારે પવનની ગતિ 40થી 50 કેએમપીએસની રહેશે. આ સાથે ગતિ 55 સુધી પણ પહોંચી શકે છે. અમદાવાદ શહેરમાં યલો એલર્ટની ચેતવણી સાથે 42 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે.