Summer Forecast: એપ્રિલ મહિનો રહેશે કાળઝાળ, હવામાન વિભાગ દ્વારા આગ ઓકતી ગરમીની આગાહી

અમદાવાદ: Summer Forecast Gujarat ઉનાળાની શરૂઆતમાં જ લોકો ચામડી દઝાડી દે તેવી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેવામાં અમદાવાદ (Ahmedabad Weather) સહિત કેટલાક વિસ્તારોમાં આજે પણ હવામાન વિભાગ (Havaman Agahi) દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ચાલો જોઈએ આગામી પાંચ દિવસ રાજયમાં કેવું હવામાન રહેશે?
અમદાવાદ હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યનું હવામાન આગામી પાંચ દિવસ સુધી સૂકું રહેશે. જો કે આ પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે નહીં પરંતુ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેને લઈને ઘણા વિસ્તારોમાં આજથી તાપમાનનો પારો એક બે ડિગ્રી નીચે ગગડશે.
અગાઉના દિવસના (ગુરુવાર) તાપમાનની માહિતી આપતા હવામાન વિભાગ જણાવે છે કે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેનાથી પણ ઉપર રહ્યો હતો. જેમાં અમદાવાદમાં 41.1 તો ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર અને અમરેલીમાં 40 ડિગ્રી જ્યારે આણંદ, ડીસા અને ગાંધીનગરમાં રાત્રે તાપમાન વધુ અનુભવાયું હતું.
હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ જો વાત કરવામાં આવે તો આજે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, અને આણંદ જિલ્લાઓના વિસ્તારોમાં વોર્મ નાઈટની ચેતવણી આપવામાં આવી છે. વિભાગ દ્વારા આગામી 15 દિવસમાં કાળઝાળ ગરમી પાડવાની પણ આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.