Gujarat માં દિવસે ગરમીનું પ્રમાણ વધ્યું, માર્ચના બીજા અઠવાડિયાથી ગરમી ભૂક્કા બોલાવશે

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનું (Gujarat weather update) પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યુ છે. શિયાળો હવે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા દર્શાવી છે. વેસ્ટ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે માર્ચના બીજા સપ્તાહથી તીવ્ર ગરમીની શરૂઆતના સંકેત આપ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ (ahmedabad), વડોદરા (vadodara) , સુરત (surat), રાજકોટ (rajkot) અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા દર્શાવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાઓથી પવન ફૂંકાઈ રહ્યા છે. જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે, જેના કારણે રાજ્યમાં બફારાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. આગામી 24 કલાક સુધી તાપમાન સમાન રહેશે. ત્યારબાદ, બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની શક્યતા છે.
રાજ્યમાં માર્ચ, એપ્રિલ અને મે ત્રણ મહિના દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તામાન પણ સામાન્ય કરતા ઊંચું રહેવાની સંભાવનાઓ છે. જેના માટે મનપા તંત્ર દ્વારા ચેતવણીઓ જારી કરવામાં આવી છે. ગતરોજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન રાજકોટમાં 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Also read: ગુજરાતમાં ગરમીની થશે શરૂઆત, હવામાન વિભાગે અહીં આપ્યું યલો એલર્ટ
હવામાન વિભાગ મુજબ, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિના જેવી અકળાવનારી ગરમીનો અનુભવ થશે. વર્ષ 2025માં અસહનીય ગરમી પડશે. આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ત્રણ થી ચાર ડિગ્રી વધારે નોંધાશે. માર્ચમાં જ હિટેવવ જોવા મળશે અને ત્રીજા-ચોથા સપ્તાહમાં મળીને પાંચેક દિવસ હિટવેવ રહશે. સામાન્ય રીતે ઉનાળા દરમિયાન રાજ્યમાં હીટવેવના દિવસો 2 થી 6 દિવસના હોય છે. તેમજ માર્ચ મહિના દરમિયાન અડધા દિવસથી લઇ 2 દિવસ હીટવેવના રહેતાં હોય છે. રાજ્યમાં ઉનાળામાં 35 થી લઇ 75 ટકા સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા છે. જ્યારે માર્ચમાં 55 થી 75 ટકા સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે. આ વર્ષે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા 33 થી 45 ટકા હોવાનું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે તેના લાંબાગાળાના પૂર્વાનૂમાનમાં જણાવ્યું હતું.
ભારતીય હવામાન વિભાગના લાંબાગાળાનું પૂર્વાનુમાન મુજબ, ગુજરાતમાં માર્ચ માસ દરમિયાન હીટવેવની અસર સામાન્ય કરતાં વધુ રહેશે. સામાન્ય રીતે રાજ્યમાં માર્ચ મહિનામાં 3-4 દિવસ હીટવેવ રહેતી હોય છે પરંતુ, આ વર્ષે 4થી 6 દિવસ સુધી હીટવેવની અસર વર્તાઈ શકે છે. હીટવેવની વધુ અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે.