Gujarat: કોરોના-એચ1એન1 વચ્ચે હેરાન કરે છે હાર્ટએટેક, 24 કલાકમાં ચારના મોત
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજી બાજુ વડોદરા શહેરમાં એચ1એન1ના એક દરદીના મોતના સમાચાર આવ્યા છે, પરંતુ આ બધા વચ્ચે સૌથી વધારે ભયાનક સમાચાર સૌરાષ્ટ્રના શહેર રાજકોટથી આવી રહ્યા છે, જ્યાં 24 કલાકમાં ચારના મોત હાર્ટ એટેકથી થયા છે. નવા વર્ષની શરૂઆતમાં જ ફરી હૃદય અચાનક બંધ પડી જવાની ઘટનાઓથી તંત્ર અને આમ જનતા બન્નેમાં ચિંતા પ્રસરી છે.
રાજકોટમાં થયેલા ચાર મૃત્યુમાં ફ્રૂટ વેચતા યુવકનું જીપમાં બેઠા બેઠા હાર્ટ એટેકથી મોત થયુ છે. શાકભાજીના ફેરિયા મધુ સામંડનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ કારખાનામાં કામ કરતા રમેશ અમીપરાનું મોત પણ હાર્ટ એટેકથી થયુ છે. ડ્રાઈવિંગ કામ કરતા રઘુભાઈનું છાતીમાં દુઃખાવો થતા મોત થયાના સમાચાર છે. આ ચારેય જણ સામાન્ય જીવન જીવી રહ્યા હતા અને કોઈ ખાસ બીમારીથી પિડાતા ન હતા, તેવી માહિતી મળી છે. તેઓ એક્ટિવ હતા અને કામ કરતા કરતા તેમની તબિયત અચાનક બગડી ને તેઓ મોતને ભેટ્યા છે.
અનિયમિત આહાર, સતત તણાવ અને દોડભાગવાળું જીવન આ માટે જવાબદાર ગણવામાં આવે છે. તો બીજી બાજુ વડોદરાની એસજી હૉસ્પિટલમાં એક દરદી એચ1એન1થી મૃત્યુ પામ્યાના સમાચાર છે. ગુજરાતમાં કોરોનાના કેસ પણ નોંધાતા રહે છે. હાલ રાજ્યમાં 60 એક્ટિવ કેસ હોવાની જાણકારી મળી છે.