ગુજરાત હાઈ કોર્ટનો આદેશ: ‘VIP’ ગાડીઓ પણ ટ્રાફિક નિયમો તોડે તો છોડશો નહીં!

અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટમાં ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાઓ અંગે કન્ટેમ્પ્ટ અરજી (કોર્ટના તિરસ્કાર કરવા અંગે) ઉપર સુનાવણી ચાલી રહી છે, જેમાં ગત સુનાવણીમાં હાઇ કોર્ટે ઓથોરિટીને રોંગ સાઇડ આવતા વાહનચાલકો ઉપર પગલા લેવા હુકમ કર્યો હતો. ત્યારથી રોંગ સાઇડ આવતા વાહન ચાલકો સામે પગલાં લેવા અમદાવાદ પોલીસ ડ્રાઇવ યોજી રહી છે. જોકે, મીડિયા અહેવાલથી કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું કે હાઇ કોર્ટ અને ઉચ્ચ અધિકારીઓની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો છોડી દેવામાં આવે છે. આ બાબતને લઈ હાઈ કોર્ટના જજે ગંભીરતાથી લેતા કહ્યું હતું કે, હાઈ કોર્ટના કર્મચારી આવું કરે તો પણ ચલાવી લેશો નહીં. હાઈ કોર્ટના કર્મચારીઓ પણ કાયદાથી ઉપર નથી અને નિયમોનો ભંગ થાય તો પગલા ભરતા ખચકાશો નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.
ગુજરાત હાઇ કોર્ટ લખેલી ગાડી રોંગ સાઇડ આવતા એક ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં હાઇ કોર્ટે કહ્યું હતું કે ગાડીના ડ્રાઈવર બેદરકાર હતા. હાઇ કોર્ટ આવું કલ્ચર ઊભું કરવા માંગતી નથી. આવી સોશિયલ ટ્રીટમેન્ટ આપવાની કોઈને જરૂર નથી. હાઇ કોર્ટ કાયદાથી ઉપર નથી, આ કેસ ઉપર પગલા લો.
હાઈ કોર્ટ ન્યૂસન્સ ટાળવા પગલા લેતી હોય હાઈ કોર્ટના જ કર્મચારીઓ આવું કરે તે ચલાવી લેવાય નહીં. સરકારી વકીલે કહ્યું હતું કે હાઈ કોર્ટ એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે. હાજર પોલીસ કર્મચારી કાર્યવાહી માટે ખચકાટ અનુભવતા હતા. જો કે કોર્ટે કહ્યું હતું કે તેમનો ડ્રાઈવર હોય તો પણ બક્ષવામાં આવે નહીં જો તેવું હોય તો પહેલો એફઆઈઆર જજ જાતે કરાવતા. આવા દાખલા ખરાબ ઇમ્પ્રેશન ઊભી કરે છે.
અહીં એ જણાવવાનું કે ગત સપ્તાહે અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગના વધતા કેસોને લઈને ગુજરાત હાઈ કોર્ટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે ટ્રાફિક નિયમોના અમલીકરણમાં ઢીલાશ દર્શાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, માત્ર વાયદાઓ નહીં, પરિણામો જોઈએ. કોર્ટે ટ્રાફિક વિભાગને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.