આપણું ગુજરાત

ખેડૂતની જમીન પર કબજો કરવા બદલ Gujarat HCએ ONGCને ફટકાર લગાવી

અમદવાદ: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના સીમાડે આવેલા ત્રાગડ ગામના એક ખેડૂતને ભારત સરકારની કંપની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) સામે ન્યાય અપાવ્યો હતો. ખેડૂતની જમીન પર ગેરકાયદેસર કબજો કરવા બદલ ONGCને કોર્ટે ફટકાર લગાવી હતી. આ સાથે કોર્ટે ખેડૂતને મોટી રાહત આપી હતી. હાઈકોર્ટે ONGCના ચેરમેનને એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે કોર્પોરેશન કાયમી ધોરણે જમીન સંપાદન કરશે કે ખેડૂતને પાછી આપશે અને આટલા વર્ષો સુધી બળજબરીપૂર્વકના કબજો કરવા બદલ ખેડૂતને નુકસાની ચૂકવશે.

પેટ્રોલીયમ ઓઈલ કાઢવા ONGCએ ત્રાગડ ગામમાં એક ખેડૂતની જમીન 27 વર્ષ સુધી કબજા હેઠળ રાખી હતી, જે અંગે હાઈ કોર્ટે કહ્યું કે ONGCએ બળજબરી પૂર્વક કબજો જમાવ્યો હતો. ONGC માટે મુશ્કેલી એ છે કે ત્રાગડ ગામની જમીન હવે અમદાવાદ શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમનો ભાગ છે. આના કારણે તેની કિંમત અનેક ગણી વધી ગઈ છે. ONGCએ હાઈકોર્ટને જણાવ્યું હતું તે જમીનનો ઉપયોગ પેટ્રોલીયમ કાઢવા માટે નહીં કરે. હાલ ONGCસી પ્રસાશનને ટીપી સ્કીમમાં ફેરફાર કરવા સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.

વર્ષ 1996માં ત્રાગડ ગામના ખેડૂતની ખેતીની જમીન ONGC દ્વારા હંગામી ધોરણે ત્રણ વર્ષ માટે હસ્તગત કરવામાં આવી હતી. ઓઈલ કાઢવા બે કૂવા ખોદવામાં આવ્યા હતા,જે હજુ પણ કાર્યરત છે. ખેડૂતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ONGCને જમીન કાયમી ધોરણે અધિગ્રહણ કરવા અથવા નુકસાનની ચૂકવણી સાથે જમીન ખાલી કરવા માટે નિર્દેશ આપવા અરજી કરી હતી. ખેડૂતે ફરિયાદ કરી હતી કે ONGC તેને બે દાયકાથી વધુ સમયથી મામૂલી ભાડું ચૂકવી રહી છે.


પ્રાથમિક સુનાવણી બાદ મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ માયીની બેન્ચે કહ્યું કે કે ONGCએ યોગ્ય પ્રક્રિયાની પાલન કર્યા વિના જમીન પર કબજો કર્યો છે. કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના ગરીબ જમીનધારકની જમીનના બળજબરીથી સંપાદન કરવામાં આવી છે, જે ભારતના બંધારણની કલમ 300A માં આપેલા બંધારણીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button