હાઈકોર્ટે ગુજરાત સરકારને ફરી ખખડાવી, મૃતક સફાઈ કામદારોના સંબંધીઓને વળતર ચુકાવા આદેશ
અમદવાદ: ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે બુધવારે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના વરિષ્ઠ અધિકારીને પૂછ્યું હતું કે 1993 અને 2014 વચ્ચે મેન્યુઅલ સફાઈ કામ કરતી વખતે મૃત્યુ પામેલા 16 સફાઈ કામદારોના આશ્રિતોને હજુ સુધી વળતર કેમ ચૂકવવામાં આવ્યું નથી. જેનો સ્પષ્ટ જવાબ ન આપી શકતા હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે અમદાવાદ સ્થિત એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી, જેમાં Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act, 2013 ના કડક અમલ માટે માંગ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન, બેન્ચે 16 મૃત સફાઈ કામદારોના પરિવારજનોને વળતર કેમ ચૂકવવામાં આવ્યું નથી? એ પ્રશ્ન અંગે રાજ્ય સરકારની સ્પષ્ટતાના અભાવ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર તરફથી હાજર થયેલા વકીલને મુખ્ય ન્યાયધીશે કહ્યું કે, “આ કોઈ હાઈડ એન્ડ સીકની રમત નથી, જે હોય એ સ્પષ્ટ કરો. જો મૃતક સફાઈ કામદારોની યાદી તમારી પાસે હતી, તો ઓછામાં ઓછું તમારે એટલું સ્પષ્ટીકરણ તો આપવું જોઈએ કે શા માટે વળતર ચૂકવણી થઇ નથી. કારણ હોવું જરૂરી છે…દર વખતે અમારે તમારી પાછળ પડવું પડે છે, આ અમારું કામ નથી. તમે ઝીરો મેન્યુઅલ સ્કેવેન્જિંગ પોલિસી અપનાવવા માટે કયા પગલાં લીધાં છે તેનો જવાબ પણ આપવો જરૂરી છે…શું તમારી પાસે જરૂરી મશીનો છે, શું તમે મેન્યુઅલ સ્કેવેન્જિંગને નાબુદ કરવા કરવાની સ્થિતિમાં છો? હજુ પણ તમે માણસોની મદદ લઈ રહ્યા છો? અમને સ્પષ્ટ જવાબ જોઈએ છે.”
ખંડપીઠે કહ્યું કે 16 પીડિતોના પરિવારજનોને વળતરનો નિર્ધાર 22 ઓક્ટોબર, 2023ના ડૉ. બલરામ સિઘ વિરુદ્ધ ભારત અને અન્યના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર કરવામાં આવે. મેન્યુઅલ સ્કેવેન્જિંગને કારણે મૃત્યુ અને વિકલાંગતાના કિસ્સામાં અદાલતે વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો.
કોર્ટે ભાવનગર શહેરમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગની બીજી એક ઘટનાની પણ નોંધ લીધી હતી જેમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સેનિટેશન વર્કરનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું જ્યારે બીજાને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં ગટરની ટાંકી સાફસફાઈ દરમિયાન ગંભીર ઇજાઓ પહોંચી હતી.
કોર્ટે પ્રિન્સિપલ સેક્રેટરીને તેમના અંગત સોગંદનામા સાથે આ ઘટના સંદર્ભે રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે અરજદારને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના મ્યુનિસિપલ કમિશનર મારફત પિટિશનમાં પક્ષકાર તરીકે ઉમેરવા માટે અરજી કરવાની પણ પરવાનગી આપી હતી.