‘સમયસર આવો, ફોનમાં સમય ના બગાડો’ ગુજરાત હાઈ કોર્ટેનો નીચલી અદાલતોના ન્યાયાધીશોને નિર્દેશ

અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે પાંચ પરિપત્રો બહાર પાડીને નીચલી અદાલતોના ન્યાયાધીશો અને કોર્ટના કર્મચારીઓને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા અને સમય વેડફવાને બદલે ન્યાયિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે ફરી એકવાર નીચલી અદાલતોના તમામ ન્યાયાધીશો અને તેમની ઓફીસના કર્મચારીઓને કોર્ટના કલાકો દરમિયાન વ્યક્તિગત હેતુ માટે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા માટે સુચના આપી હતી. કારણ કે આ આદત કાર્યવાહીમાં વિક્ષેપનું કારણ બને છે.
હાઈ કોર્ટે ન્યાયિક અધિકારીઓ અને તેમના સ્ટાફને આદેશ આપ્યો છે કે તેઓ સત્તાવાર કામ સિવાય કોર્ટના કલાકો દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે. જો આ પરિપત્રના ઉલ્લંઘનની જાણ થશે, તો શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. ઉપરની અદાલતોના ન્યાયધીશો અને મહાનુભાવોની જિલ્લા સ્થળોની મુલાકાત દરમિયાન તેમણે ભેટ, સ્મૃતિચિહ્ન અને મીઠાઈઓ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હાઈ કોર્ટે તમામ ન્યાયાધીશોને યાદ અપાવ્યું કે ગુજરાત સિવિલ સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ, 1971ના નિયમ 13 હેઠળ આવી ભેટો સ્વીકારવાની અનુમતિ નથી. નીચલી અદાલતના ન્યાયાધીશો તેમના વરિષ્ઠોને ગુલદસ્તો અથવા રોપા આપી શકે છે.
કોર્ટરૂમમાં ડાયસ પર તેમનો સંપૂર્ણ સમય ન વિતાવવા બદલ હાઈ કોર્ટે ફરીથી નીચલી અદાલતોના ન્યાયાધીશોને ચેતવણી આપી હતી. દિવસે મોડા આવવા અને વહેલા જવા બદલ હાઈ કોર્ટે તેમની ટીકા કરી હતી. નીચલી અદાલતોના ન્યાયાધીશોને કોર્ટના કામકાજના કલાકો અંગેના નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોને કહેવામાં આવ્યું છે કે તેઓ મોડેથી આવનારાઓ અને કોર્ટરૂમમાં પૂર્ણ-સમય ન બેસતા લોકોની ઓળખ કરે. કોઈપણ ચૂકને ગંભીરતાથી લેવામાં આવે છે. હાઈ કોર્ટે 2018 અને 2022 વચ્ચે વારંવાર આ પ્રકારની સુચનાઓ આપી હતી.