‘શું આપણે ઈમરજન્સીના જમાનામાં જીવી રહ્યા છીએ?’, ગુજરાત હાઈ કોર્ટે IT અધિકારીઓને ફટકાર લગાવી
અમદાવાદ: ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા એક વકીલની ઓફિસ પર વોરંટ વિના કથિત ગેરકાયદે દરોડાના કેસની સુનાવણી કરતી વખતે, ગુજરાત હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, “જો આવું થવા દેવામાં આવશે તો આ દેશમાં કોઈ વ્યાવસાયિક સુરક્ષિત રહેશે નહીં.” બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિ 1976-77ની ઈમરજન્સીના વર્ષો જેવી નથી, આવી સ્થિતિમાં આ પ્રકારના કૃત્યો સહન ન કરી શકાય.
સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે ઇન્કમટેક્ષ અધિકારીઓને 15 ડિસેમ્બર સુધીમાં તેમના પર્સનલ જવાબો સબમિટ કરવા સૂચના આપી હતી, આ કેસની આગામી સુનાવણી 18 ડિસેમ્બરે સુનિશ્ચિત કરવામાં આવી છે. બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે 1961ના આવકવેરા કાયદા હેઠળ ફરજમાં બેદરકારી બદલ તેમની સામે પગલાં કેમ ન લેવા જોઈએ? I-T વિભાગના વકીલને કોર્ટે જણાવ્યું કે અરજદાર વકીલની ઑફિસમાંથી જપ્ત કરેલા દસ્તાવેજો પરત કરવામાં આવે અને તેમની જાહેર માફી માંગવામાં આવે, જો આનું પાલન ન થાય તો કોર્ટે પરિણામની ચેતવણી આપી હતી.
ન્યાયમૂર્તિ ભાર્ગવ કારિયા અને નિરલ મહેતાએ ટિપ્પણી કરી હતી કે, “આ સ્વીકાર્ય નથી. વિભાગ પાસેથી આ પ્રકારના અભિગમની અપેક્ષા રાખી શકાય નહીં. તમે આવું કેવી રીતે કરી શકો છો? દરેક ડર હેઠળ હશે.”
ગુજરાત હાઈકોર્ટના પ્રેક્ટિસ કરી રહેલા એડવોકેટ મૌલિક શેઠ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં 3 નવેમ્બરના રોજ IT અધિકારીઓ દ્વારા તેમની ઓફિસ અને ઘર પર પાડવામાં આવેલા દરોડાઓને પડકારવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન એડવોકેટ શેઠ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા હતા.
કોર્ટે દસ્તાવેજો જપ્ત કરવાની આઇટી વિભાગની સત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે આવી ક્રિયાઓ લોકોમાં ડર પેદા કરશે, આપણે 197575-76ના જમાનામાં નથી જીવી રહ્યા, કે તમે ગમે ત્યાં જઈ શકો અને ગમે તે કરી શકો. આ કટોકટીની સ્થિતિ નથી. બેન્ચે કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવાની અને વ્યાવસાયિકોના અધિકારોના આદરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.