Top Newsઆપણું ગુજરાત

ઉતરાયણ પૂર્વે હાઈ કોર્ટ લાલઘૂમ: ચાઈનીઝ દોરી વેચી તો થશો જેલ ભેગા

અમદાવાદ: ઉત્તરાયણ પર્વમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જો કે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. હાઈકોર્ટે નાયલોન અને ચાઇનીઝ માંઝામાંથી બનેલા પ્રતિબંધિત પતંગ ઉડાવવાના દોરા પર પ્રતિબંધ લાગુ કરવાના રાજ્યના પ્રયાસોની સમીક્ષા કરી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ અપાયો હતો. કોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને નિર્દેશ કર્યો હતો કે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગેનો ડે-ટુ-ડે (રોજિંદો) રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

ગુજરાતના ગૃહ વિભાગના મુખ્ય સચિવ દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં તંત્ર દ્વારા ચાઇનીઝ માંઝા, નાયલોન, કૃત્રિમ કોટિંગવાળા પ્લાસ્ટિકના દોરા, કાચથી કોટેડ નાયલોન અથવા કૃત્રિમ દોરા (પરંપરાગત માંઝા સિવાય) અને ચાઇનીઝ સ્કાય ફાનસ(તુક્કલ) સહિતના ખતરનાક દોરાનો ઉપયોગ કરવા સામે તેની અમલીકરણ ઝુંબેશ અને જનજાગૃતિ ઝુંબેશની વિગતવાર માહિતી આપી હતી.

હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામા મુજબ, 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2025 દરમિયાન, પોલીસે આ પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અથવા ઉપયોગ સંબંધિત 59 ગુના નોંધ્યા હતા. અધિકારીઓએ 12,066થી વધુ પ્રતિબંધિત દોરા અને સંબંધિત સામગ્રી – જેમ કે રીલ, સ્પૂલ, બોબિન્સ અને ટેલર, કટ દોરા જપ્ત કર્યા છે જેની કિંમત આશરે રૂ. 36.80 લાખ છે. વધુમાં, રાજ્યભરમાં 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ અલગ-અલગ સોગંદનામામાં નોંધવામાં આવ્યું છે કે પોલીસ કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ વાર્ષિક સૂચનાઓ જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં ઉત્તરાયણ દરમિયાન પતંગ ઉડાવવા માટે પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને કબજો રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બર, 2025ના રોજ 2026 માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ મામલાની વધુ સુનાવણી 9 જાન્યુઆરી, 2026 ના રોજ થશે.

તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાની ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતાં દોરીનો જથ્થો દાદરા અને નગર-હવેલીની ફેક્ટરીમાંથી આવ્યો હોવાનીની જાણ થતાં પોલીસે સંઘપ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો.ફેક્ટરી પરથી 43,000 ચાઈનીઝ દોરીની રીલ સહિત 2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button