ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન: અમદાવાદ સહિત 4 મહાનગરમાં યોજાશે 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા
જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશે

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા. આઠથી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ રમતગમત અને યુવક સેવા રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”ની થીમ પર સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન યોજાશે, જે અંતર્ગત રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ક્રમશ તા. ૯, ૧૦, ૧૧ અને ૧૨ ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સાણંદમાં દેશભક્તિનો રંગ: અમિત શાહની તિરંગા યાત્રામાં 680 મીટરનો તિરંગો આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો…
સ્વચ્છતા યાત્રાનું પણ આયોજન કરાશે
આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લા મથક, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ તિરંગા યાત્રાની ઉજવણી થશે. આ યાત્રામાં રાજ્યભરની અનેક સંસ્થાઓ સહભાગી થશે. તિરંગા યાત્રા ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જનભાગીદારીથી સ્વચ્છતા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે અને શહેરોને સ્વચ્છ રાખવા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તેમ પ્રધાને ઉમેર્યું હતું.
આ જગ્યાએ લહેરાવાશે તિરંગો
પ્રધાને કહ્યું કે, આ અભિયાનના ભાગરૂપે આગામી તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળો ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર, દુકાન, ઉદ્યોગ ગૃહ, સરકારી કચેરી, ખાનગી કચેરી અને લારીઓ પર પણ ત્રિરંગા લહેરાવામાં આવશે. રાજ્યમાં આ ઉજવણીમાં તમામ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચો: તિરંગા યાત્રાએ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશના યુવાનોમાં કર્યું ઉર્જા ભરવાનું કામ; ગૃહમંત્રી અમિત શાહ
‘તિરંગા’નું સન્માન કરવાની અપાશે સમજ
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશ ભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા, તિરંગા ચિત્ર સ્પર્ધા તથા તિરંગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની વધુ સમજ પણ આપવામાં આવશે. આ ઉપરાંત દેશના જવાનો અને પોલીસકર્મીઓને મોકલવા માટે બાળકો દ્વારા તિરંગા રાખડી પણ તૈયાર કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
ખાનગી બેન્ડ દ્વારા દેશભક્તિ આધારિત ધૂન રજૂ કરાશે
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ સહિતના મહાનગરોમાં અંદાજે ૨-3 કિલોમીટરના રૂટ પર ત્રિરંગા યાત્રા/મેગા પરેડ યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં નાગરિકો સહભાગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારિત ધૂન રજૂ કરવામાં આવશે. રાજ્યના વિવિધ સાંસ્કૃતિક વૃંદો દ્વારા વિવિધ સ્થળે જાણીતા નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે.