ગુજરાતમાં નલ સે જલ યોજનાની શું છે સ્થિતિ? ગેનીબેન ઠાકોરના સવાલના જવાબમાં શું બહાર આવી વિગત

બનાસકાંઠા/નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જલ સે જલ યોજનાની સ્થિતિ અંગે માહિતી માંગી હતી. જેમાં નલ સે જલ યોજનાની વિગત માંગવામાં આવી હતી. તેમણે પૂછ્યું કે, શું જલ જીવન મિશન (જેજેએમ) અંતર્ગત હર ઘર નલ સે જલ યોજના દેશભરમાં ટાર્ગેટ પૂરો કરી શકી છે? ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ મળવા પર શું પગલા લેવામાં આવ્યા? ગુજરાતમાં આ મિશનની વર્તમાન સ્થિતિ શું છે અને અત્યાર સુધીમાં કેટલા ગ્રામીણ પરિવારોને નળ કનેકશન મળી શક્યું છે.
જેના જવાબમાં સરકારે જણાવ્યું કે, ઓગસ્ટ 2019થી ભારત સરકાર રાજ્યોની ભાગીદારીથી દેશભરના તમામ ગામડામાં પ્રત્યેક પરિવારને નળથી પીવાનું પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન કાર્યરત કર્યું છે. આ મિશનની જાહેરાત વખતે 3.23 કરોડ (17 કરોડ) ગ્રામીણ પરિવારો પાસે નળ કનેકશન હોવાની માહિતી હતી. 1 ડિસેમ્બર, 2025 સુધીમાં રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ 19.36 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી 15.75 કરોડ (81.36 ટકા)થી વધારે પરિવારોના ઘરમાં નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે અને બાકીના 3.59 કરોડ પરિવારને પાણી આપવાનું કામ પ્રગતિમાં છે.
આ પણ વાંચો : ગુજરાતમાં અટલ ભૂજલ યોજનાના સારા પરિણામો , 36 તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર 4 મીટર સુધી ઊંચા આવ્યા
ગુજરાતને હર ઘર જલ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 100 ટકા ગ્રામીણ પરિવારો પાસે નળથી જલ કનેકશન છે. ગુજરાતમાં કુલ 91.18 લાખ ગ્રામીણ પરિવારમાંથી 15 ઓગસ્ટ, 2019 સુધી 65.16 લાખ (71.46 ટકા) પરિવારો પાસે નળ કનેકશન હતા. જે બાદ 26.02 લાખ (28.54 ટકા) પરિવારને નળ કનેકશન આપવામાં આવ્યા છે. રાજ્યના 91.18 લાખ ગ્રામીણ પરિવારો પાસે મળી કુલ 100 ટકા નળ કનેકશન છે.



