આપણું ગુજરાત

ગુજરાતમાં કઠોળની ખેતીમાં વૃદ્ધિ, ચણાના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર

ગાંધીનગર: ગુજરાતમાં તુવેર અને ચણાની ઉત્પાદકતામાં વધારો થયો છે. 2021-22થી 2023-24 દરમિયાન તુવેરની સરેરાશ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 1199 કિગ્રા અને ચણાની સરેરાશ ઉત્પાદકતા 1795 કિગ્રા નોંધાઈ હતી. જ્યારે વર્ષ 2023-24માં 1714 કિગ્રા ચણાની ઉત્પાદકતા સાથે રાજ્યએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ગુજરાત વિવિધ પ્રકારના કઠોળની ખેતી કરે છે, જેમાં ચણા, મગ, અડદ, મઠ, તુવેર અને વટાણાનો સમાવેશ થાય છે. રાજ્ય આ કઠોળની નિકાસ પણ કરે છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (APEDA) અનુસાર, એપ્રિલથી નવેમ્બર (2025-26) દરમિયાન, ગુજરાતે વૈશ્વિક બજારોમાં રૂપિયા 581 કરોડના મૂલ્યના 74,652.82 મેટ્રિક ટન કઠોળની નિકાસ કરી હતી.

કઠોળનું ઉત્પાદન 10.66 લાખ મેટ્રિક ટન થયું

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કઠોળની ખેતીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કઠોળ હેઠળનો કુલ વાવેતર વિસ્તાર 2018-19માં 6.62 લાખ હેક્ટરથી વધીને 2023-24માં 10.89 લાખ હેક્ટર થયો છે. તેવી જ રીતે, ઉત્પાદન લગભગ ત્રણ ગણું વધીને 2018-19માં 6.79 લાખ મેટ્રિક ટનથી વધીને 2023-24માં 15.51 લાખ મેટ્રિક ટન થયું છે, જેમાં ચણા, મગ, મઠ અને અડદની ખેતીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને, ચણાના વાવેતરમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે, જેમાં 2018-19માં 1.73 લાખ હેક્ટરનો વાવેતર વિસ્તાર 2023-24માં 6.22 લાખ હેક્ટરનો થયો છે.જ્યારે ઉત્પાદન 2.35 લાખ મેટ્રિક ટનથી વધીને 10.66 લાખ મેટ્રિક ટન થયું છે.

ખેડૂતોને ગુણવત્તાયુક્ત પ્રમાણિત બીજ મળે તેની ખાતરી

ભારત સરકારનું કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન ચણા, તુવેર અને અડદની ખેતીને પ્રોત્સાહન આપે છે. મિશન હેઠળ, ખેડૂતોને પ્રમાણિત બીજ, સબસિડી સાથે ખેતર સંબંધિત પ્રદર્શનો અને ઉત્પાદકતામાં સુધારો કરવા માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, વધુ સારી ઉપજ માટે રાજ્ય સરકારે સીડ રિપ્લેસમેન્ટ રેટ યોજના અમલમાં મૂકી છે, જે ખેડૂતોને ગુણવત્તાયુક્ત પ્રમાણિત બીજ મળે તેની ખાતરી કરે છે.

તુવેર અને ચણા જેવા કઠોળની ઉત્પાદકતામાં નોંધપાત્ર વૃદ્ધિ

ગુજરાતમાં કઠોળની ખેતી, ઉત્પાદકતા અને તેના પોષણમૂલ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિશ્વભરમાં 10 ફેબ્રુઆરીએ ‘વિશ્વ કઠોળ દિવસ’ ઉજવવામાં આવે છે. વિશ્વમાં કઠોળના સૌથી મોટા ઉત્પાદક, વપરાશકાર અને આયાતકાર દેશ તરીકે ભારતે કઠોળ આત્મનિર્ભરતા મિશન શરૂ કર્યું છે, જે પોષણ સુરક્ષા અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ એક મોટું પગલું છે. ગુજરાતે આ મિશનમાં સક્રિય ભૂમિકા ભજવતાં તુવેર અને ચણા જેવા કઠોળની ઉત્પાદકતામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button