ગુજરાતમાં આ તારીખથી ફરી ટેકાના ભાવે મગફળી ખરીદીની થશે શરૂઆત, મુખ્ય પ્રધાને કરી જાહેરાત

ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદના કારણે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી બંધ રાખવામાં આવી હતી. જોકે વરસાદ બંધ થતા સરકારે ફરીથી ખરીદી શરૂ કરાવની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી હતી.
તેમણે લખ્યું, કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે. રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી ૯મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.
આ પણ વાંચો: કમોસમી વરસાદથી મગફળીનું ઉત્પાદન ઘટવાની ભીતિ: ખેડૂતોને ભાવ અને નુકસાનનો બેવડો માર…
ઉલ્લેખનીય છે, થોડા દિવસ પહેલા સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી નહીં કરવા નક્કી કર્યું હતું. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. રાજ્ય કૃષિ વિભાગે પહેલી નવેમ્બરથી મગફળી ખરીદવા જાહેર કર્યું હતું. ખેડૂતોએ મગફળીનો જથ્થો તૈયાર કર્યો હતો. વાહન વ્યવસ્થા ગાઠવી ટેકાના ભાવે મગફળી વેચવા તૈયારીઓ આદરી હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે સરકારે મગફળી નહીં ખરીદવાની જાહેરાત કર્યા બાદ ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે લીલીઝંડી આપતાં રાજ્ય સરકારે મગફળી ખરીદવા નક્કી કર્યું હતું જેના પગલે ગુજરાતમાં 9.32 લાખથી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશને કરાવ્યું હતું. જોકે માવઠાના કારણે ટેકાનો ભાવે મગફળી સહિત અન્ય જણસની ખરીદી મોકૂફ રાખવામાં આવી હતી.



