ગુજરાતમાં અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ટૂંક સમયમાં યોજાય તેવા સંકેત…

ગાંધીનગર: ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના આયોજનની ચર્ચા થતી આવી હતી. જો કે ઓબીસી અનામતને કારણે રાજ્યમાં અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના આયોજનનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય ચૂંટણી પંચે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવાની સૂચના આપી છે.
મળતી વિગતો અનુસાર રાજ્યમાં નગર પાલિકા, મહાનગર પાલિકા અને પંચાયતોની ચૂંટણી બાદ ઓબીસી અનામત મુદ્દે અટકી પડેલી ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય ચૂંટણી પંચે અગાઉ તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખી ચૂંટણી માટે એલર્ટ થઈ જવા સૂચના આપી હતી. અધિકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 જૂન 2025 સુધી જે ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે તેવી રાજ્યની અંદાજે સાતેક જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત ૧૦ ટકાથી વધારી ૨૭ ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. અને તે માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિલંબ થયો હતો પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે, જેથી હવે ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.