બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ પર સરકારની લાલ આંખઃ પરિપત્ર જાહેર કરીને કડક ગાઈડલાઈન આપી

ગાંધીનગરઃ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી અધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને મહેસૂલ વિભાગના અધિકારોઓને ચૂંટાયેલા સભ્યોથી લઈને સામાન્ય માણસોના ફોન ન ઉપાડવાની બાબતે આકરું વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરીને કડક ગાઈડલાઈન જાહેર કરી હતી.
રાજ્ય સરકારે જાહેર કરેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મહેસૂલ વિભાગના વર્ગ 1 અને 2 કક્ષાના અધિકારીઓને તેમણે ફાળવવામાં આવેલા સરકારી ફોન નંબર અથવા જો સરકારી ફોન નંબર ન હોય તો અંગત નંબર પર આવતા ફોન કોલ્સનો જવાબ આપવાનો રહેશે. વળી સરકારે એ પણ આદેશ કર્યો છે કે જો આ અધિકારીઓ ફરજ પર ગેરહાજર હોય કે મિટિંગમાં હોય તેવી સ્થિતિમાં બાદમાં સામેથી કોલ કરીને પદાધિકારી, ઉચ્ચ અધિકારી કે અન્ય અધિકારીઓને યોગ્ય પ્રત્યુતર આપવાનો રહેશે.
આ પણ વાંચો : કેગના રિપોર્ટમાં આવક અને ખર્ચમાં વિસંગતતાનો ખુલાસો, રાજ્ય સરકારે 2023-24માં 27176 કરોડ વ્યાજ ચૂકવ્યું
ઉલ્લેખનીય છે મહેસૂલ વિભાગના અધિકારીઓ સામાન્ય માણસની જેમ જ અધિકારીઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોના ફોનને કોઈને કોઈ કારણથી અવગણી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી. મીટિંગમાં હોવાથી વાત નહિ થઈ શકે તેવા બહાના હવે નહિ ચાલે.
હવે રાજ્ય સરકારે આ બાબતે હવે સામેથી કોલ બેક કરીને પ્રત્યુતર આપવા જણાવ્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી ફોન અવગણવાની અનેક ફરિયાદો મળી હતી, જેના કારણે સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.