સરકારી બાબુઓ માટે જલસા: સરકારે અધિકારીઓના આતિથ્ય ખર્ચમાં કર્યો 150 ટકાનો વધારો…

ગાંધીનગર: રાજ્ય સરકારનાં અધિકારીઓ માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે અધિકારીઓનાં નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સરકારી કામકાજ અર્થે મુલાકાતે આવતા વિવિધ મહાનુભાવો, અતિથિઓ અને નાગરિકો માટેના આતિથ્ય ભથ્થા અને અલ્પાહાર ખર્ચની મર્યાદામાં વધારો કર્યો છે. ગુજરાત નાણાકીય સત્તા સોંપણી નિયમો-૧૯૯૮ ના પ્રકરણ-૪ હેઠળની જોગવાઈઓ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આતિથ્ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા ૨૫,०००
સરકારના સચિવો માટે વ્યક્તિ દીઠ નાસ્તા માટેની મર્યાદા હાલ ૨૦ રૂપિયા હતી તે વધારીને ૫૦ રૂપિયા કરી દેવામાં આવી છે. બપોરનાં અને રાત્રિનાં ભોજન માટેની ખર્ચ મર્યાદા જે ૧૦૦ રૂપિયા હતી તે વધારીને ૨૫૦ રૂપિયા કરવામાં આવી છે. તે ઉપરાંત આતિથ્ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા જે હાલ ૧०,००० હતી તે વધારીને ૨૫,००० કરી દેવામાં આવી છે.
તે ઉપરાંત સચિવના દરજ્જાના પરંતુ આતિથ્ય/હોદ્દો-ખર્ચ ભથ્થું આકારતા ન હોય તેવા ખાતાના વડાઓ માટે બપોરનાં અને રાત્રિનાં ભોજન માટેની ખર્ચ મર્યાદા જે ૧૦૦ રૂપિયા હતી તે વધારીને ૨૫૦ રૂપિયા કરવામાં આવી છે. તે ઉપરાંત આતિથ્ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા જે હાલ ૧०,००० હતી તે વધારીને ૨૫,००० કરી દેવામાં આવી છે.
વહીવટી વિભાગમાં અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, ખાતાના વડા, (જેઓ સચિવ કક્ષાના ન હોય) પ્રાદેશિક વડા, એડિશનલ કમિશનર માટે નાસ્તા માટેની મર્યાદા જે ૧૫ રૂપિયા હતી તે વધારીને ૩૫ રૂપિયા કરવામાં આવી છે. તેમજ આતિથ્ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા જે ૫૦૦૦ હતી તે વધારીને ૧૨૫૦૦ કરવામાં આવી છે.
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ માટે નાસ્તા માટેની મર્યાદા જે ૧૫ રૂપિયા હતી તે વધારીને ૩૫ રૂપિયા કરવામાં આવી છે. તેમજ બપોર અને રાત્રિનાં ભોજન ખર્ચની મર્યાદા જે ૭૫ રૂપિયા હતી તે વધારીને ૧૮૦ કરવામાં આવી છે. આતિથ્ય અંગેના વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા રૂપિયા ૫૦૦૦થી વધારીને ૧૨૫૦૦ કરવામાં આવી છે. જિલ્લાના વડા કે ખાતાના વડા માટે નાસ્તાની ૧૦ રૂપિયાની મર્યાદા વધારી ૨૫ રૂપિયા કરવામાં આવી છે. મહેમાનગતિ ખર્ચની મર્યાદા ૩૦૦૦ થી વધારી ૭૫૦૦ કરવામાં આવી છે.