માહિતી ખાતાની ભરતી: અભ્યાસક્રમ વિના પરીક્ષા જાહેર થતા ઉમેદવારોની મૂંઝવણ અને તારીખ બદલવાની માંગ…

ગાંધીનગર: દિવાળીના તહેવાર સમયે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગોની કુલ ૧૨ જાહેરાતોની એમસીકયુ-કમ્પ્યુટર બેઝ્ડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લઈને પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જો કે માહિતી ખાતા હસ્તકની ભરતીના મુદ્દે વિવાદ સર્જાયો હતો. વિગતવાર અભ્યાસક્રમની જાહેરાતના અભાવે જાહેર કરવામાં આવેલી પરીક્ષાની તારીખ બદલવા અને વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
માહિતી અને પ્રસારણ વિભાગ/માહિતી નિયામક કચેરી હસ્તકની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત અનુસાર આગામી 25 નવેમ્બરના રોજ સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે અન્ય ભરતી જાહેરાતની જેમ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો હોવાથી ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા હતા.
ઉમેદવારો દ્વારા આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો સંપર્ક કરવામાં આવતા મંડળ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે માહિતી ખાતા તરફથી અમને વિગતવાર અભ્યાસક્રમ મળ્યો નથી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અન્ય ભરતી જાહેરાતોમાં પાછળથી વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યો હતો.
જો કે માહિતી ખાતા હસ્તકની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યા વગર જ પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવતા પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી, બાગાયત મદદનીશ, મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની અન્ય ભરતી જાહેરાતની પ્રાથમિક પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યો હતો, પરંતુ સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કર્યા વિના જ પ્રાથમિક પરીક્ષાની તારીખની જાહેરાતથી ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે. જો કે મુખ્ય પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમની જાહેરાત મંડળ દ્વારા ભરતીની જાહેરાત સાથે જ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…ભરતી પરીક્ષાઓની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર: GSSSB દ્વારા ૧૨ પરીક્ષાઓની તારીખ જાહેર…