રત્ન કલાકારોના બાળકોને મળશે ₹ 13,500ની શૈક્ષણિક ફી સહાય: ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય…

ગાંધીનગરઃ વૈશ્વિક મંદીને લઈ સુરત સહિત અન્ય શહેરના રત્ન કલાકારોના જીવન પર ઘેરી અસર કરી છે ત્યારે તેમના પરિવારોને મદદ કરવા માટે ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૨૪/૦૫/૨૦૨૫ના ઠરાવ ક્રમાંક: હરઉ-૧૦૨૦૨૫-૪૪૨-ચથી હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રાજ્યના રત્ન કલાકારોનાં બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા રૂ. 13,500/-ની મર્યાદામાં 100 ટકા શાળા ફી સહાય જાહેર કરી છે.સદર ઠરાવથી અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને શિક્ષણમાં મદદરૂપ સહાય મંજૂર કરવા જિલ્લા કલેકટરના વડપણ હેઠળ કમિટી નિયત થઈ છે, જે કમિટીની બેઠકનું આયોજન 26મી જૂને થયું હતું.
આ બેઠકમાં અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓ અને સરકારી વિભાગના અધિકારી મેમ્બરો સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લામાં આ સહાયનો મહત્તમ લાભ અસરગ્રસ્ત રત્નકલાકારો સુધી પહોંચે અને તેઓને અરજી કરવામાં તથા દસ્તાવેજો રજૂ કરવામાં અગવડતા નિવારી શકાય તે હેતુથી કલેકટર દ્વારા સૂચન કર્યા મુજબ અરજીઓ દરેક શાળા કક્ષાએ સ્વીકારવાનું આયોજન કરાયું હતું,
આ બાબતના જરૂરી સૂચના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સર્વે શાળાઓને આપવામાં આવ્યા હતા, તેમ જ આ સહાય મેળવવા માટેની અરજીઓની એકસૂત્રતા જળવાય અને રત્ન કલાકારો સરળતાથી અરજી કરી શકે તે હેતુથી દરેક સ્કૂલોને અરજીપત્રનો નમૂના, અસરગ્રસ્ત રત્ન કલાકારોએ રજૂ કરવાની બાંહેધરીનો નમૂનો વગેરે દરેક શાળાને મોકલી વાલીઓને જાણ કરવા માટેની સૂચનાઓ પણ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક શાળાને આપી હતી તેમ જ સદર યોજનાનો લાભ વધુમાં વધુ અસરગ્રસ્ત રત્નકલાકારો મેળવે તેવી અપીલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ કચેરી દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં કામની અસુરક્ષા એક મોટો મુદ્દો છે. જ્યારે પણ વૈશ્વિક બજારમાં મંદી આવે છે, ત્યારે રત્ન કલાકારોને સૌથી પહેલા તેની અસર થાય છે. તેમને નોકરી ગુમાવવાનો કે પગાર કપાવાનો ડર સતાવતો રહે છે. કેટલાક કિસ્સાઓમાં, આર્થિક અને માનસિક તણાવને કારણે વ્યક્તિ આપઘાત કરતા હોય છે.