ગાંધીનગર સહિત રાજ્યનાં ત્રણ વીજ મથકોમાં થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદ: રાજ્ય સરકારે ત્રણ વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ 53368 મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં 2400 મેગાવોટનો વધારો થશે.
હાલ 24962 મેગાવોટ પરંપરાગત અને 28406 મેગાવોટ બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનની કુલ 53368 મેગાવોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી રાજ્ય ધરાવે છે. રાજ્ય સરકારે આ સૂચિત કન્વેન્શનલ પાવર પ્રોજેક્ટસની સ્થાપના દ્વારા સ્ટેટ ઓફ ધ આર્ટ પાવર જનરેશન ફેસીલીટીસ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું લક્ષ રાખ્યું છે.
રાજ્યમાં 2021-22ના વર્ષમાં માથાદીઠ વીજ વપરાશ 2283 યુનિટ હતો તે વધીને 2022-23માં 2402.49 યુનિટનો થયો છે. ઉત્તરોતર વધતા જતા માથાદીઠ વીજ વપરાશની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી આ લિગ્નાઈટ એન્ડ કોલ બેઝ્ડ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શન જરૂરી બન્યા છે.
આ પ્લાન્ટમાં ઊર્જાના સ્ત્રોત તરીકે ડોમેસ્ટિક કોલનો ઉપયોગ કરાશે. હવાની ગુણવત્તા પર અસર ઘટાડવા એડવાન્સ્ડ ઇમિશન કન્ટ્રોલ સિસ્ટમ અને હાઈ એફિશિયન્સી એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થશે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL કોંપ્રિહેન્સીવ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસનો પણ અમલ કરશે.
રાજ્ય સરકારે 800 મેગાવોટના એક એમ ત્રણ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આમ ગાંધીનગર , સિક્કા અને ઉકાઈ ત્રણેય પાવર પ્લાન્ટ મળીને આ વધારાના 2400 મેગાવોટ સાથે રાજયની કુલ સ્થાપિત ક્ષમતા 55768 મેગાવોટ થશે.