આપણું ગુજરાત

સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા માટે ગુજરાત સરકારે કર્યા મહત્ત્વનાં સુધારાઃ ર૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હક કમી થઇ શકશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં નાગરિકોની મિલકતોના હક્કોનું રક્ષણ, સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા તથા સરકાર દ્વારા વસૂલવા પાત્ર થતી સ્ટેમ્પ ડયૂટીની યોગ્ય વસૂલાત માટેના ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮માં સમયોચિત સુધારાઓ કરવા માટેનો ગુજરાત સ્ટેમ્પ વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે રજૂ કર્યો હતો. આ બિલમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ૨૦ કલમ અને અનુસૂચિ એકના આઠ આર્ટિકલના મહત્ત્વના સુધારાઓ કરવામાં આવ્યા છે.

ર૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હક કમી થઇ શકશે

કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે આર્ટિકલ ૪૯ (ક)માં થનારા સુધારા બાદ હવે વારસાગત/વડિલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમીના લેખ ઉપર હાલમાં લેવાતી ૪.૯૦ ટકા ડયૂટીના બદલે ફક્ત ર૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હક્ક કમી થઇ શકશે. જેનાથી પારિવારિક મિલકતોમાં હક્ક કમીના લેખો પર સ્ટેમ્પ ડયૂટી ભરવામાંથી મુક્તિ મળશે અને સમગ્ર પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મિલકતના દસ્તાવેજ નોંધણીનો આ નિયમ 1 એપ્રિલથી થશે લાગુ…

ઘરેબેઠાં ઇ-રજિસ્ટ્રેશનની સુવિધા

આર્ટિકલ 6(1)માં સુધારો થતાં લોનના સંબંધે ગીરો લેખ માટેની ડ્યુટીમાં 80 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે, હવે રૂ. 1 કરોડ સુધીની લોન મેળવવા માટે ૦.ર૫ ટકા લેખે ભરવાના થતાં રૂ. ૨૫૦૦૦ની ડ્યુટી ઘટીને વધુમાં વધુ રૂ. ૫૦૦૦ કરવાની જોગવાઈ આ બિલ દ્વારા કરવામાં આવી છે. ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરી સુધી જવાના બદલે ઘરેબેઠાં ઇ-રજિસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

સ્ટેમ્પ ડયૂટી ભરવાની જોગવાઈને વધારી

કલમ-૧૭ હેઠળ ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમ થયા પછી ૩૦ દિવસમાં સ્ટેમ્પ ડયૂટી ભરવાની જોગવાઈને વધારીને ૬૦ દિવસ કરવામાં આવી છે. આ જ રીતે, કલમ-૩રમાં પણ લેખ નોંધણી બાદ ૩૦ દિવસમાં સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની મર્યાદા વધારીને ૬૦ દિવસની જોગવાઈ કરવામાં આવતાં નાગરિકોને સ્ટેમ્પ ડ્યૂટી ભરવા માટે વધુ સમય મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button