Gujarat માં ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા 6 નવા સંગ્રહાલયોની કામગીરી પુરજોશમાં…

અમદાવાદઃ ગુજરાતના(Gujarat)ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા 6 જેટલા નવા સંગ્રહાલયનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વંદના સંગ્રહાલયની 12 એકર વિસ્તારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે બે વર્ષમાં 3.93 કરોડનો ખર્ચ કરાયો છે. રાજ્ય સરકારે વર્ષ 2025-26 ના બજેટમાં રાજ્યમાં હયાત સંગ્રહાલયોના સમારકામ માટે રૂ. 39.94 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વિવિધ 8 ગેલેરીઓ પણ બનાવવામાં આવશે
વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રધાન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત વંદના સંગ્રહાલય’માં ગુજરાતની સ્થાપના અને દેશના વિકાસમાં રાજ્યના યોગદાનની ઝાંખી દર્શાવાશે.જેમાં ટેકનોલોજીયુકત વિવિધ 8 ગેલેરીઓ પણ બનાવવામાં આવશે. આ સિવાય નવા છ સંગ્રહાલયોમાં કેવડિયા ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય, વીર બાળ સંગ્રહાલય ભુજ, કૃષ્ણદેવરાય સંગ્રહાલય, વડનગર સંગ્રહાલય વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Ahmedabad માં 2036 ના ઓલિમ્પિક માટે રીવ્યુ મિટીંગમાં બ્લુપ્રિન્ટ તૈયાર, ઉચ્ચ કક્ષાની કમીટી નિયુક્ત કરાઈ…
જૂનાગઢ ખાતે દેવાયત બોદરનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં હાલમાં પાંચ સંગ્રહાલયોની અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે જેમાં બારડોલી ખાતે આવેલા સરદાર પટેલના સંગ્રહાલય,દરબાર હોલ, સાપુતારા -ડાંગ, રાજમાતા સંગ્રહાલય પાટણ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં, સાપુતારા ડાંગ ખાતેના સંગ્રહાલયનું કુલ રૂ. 30 કરોડના ખર્ચે તબક્કાવાર સમારકામ કરવામાં આવશે. આ માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૬ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સિવાય ઉપરકોટ-જૂનાગઢ ખાતે દેવાયત બોદરનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે.