વર્ટિકલ એરપોર્ટ માટે સરકારે હાઈ લેવલ કમિટીની રચના કરી: એર ટેક્સીનો માર્ગ મોકળો…

અમદાવાદ: ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક દફતર (ડીજીસીએ) દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશના તમામ રાજ્યોને વીપોર્ટ વિકસાવવા માટે એડવાઈઝરી જાહેર કરાઈ હતી. તેના પગલે ગુજરાત સરકારે પણ જોરદાર પગલું ભરી રાજ્યમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી સેવા શરૂ કરવા માટે હાઈ લેવલ કમિટીની રચના કરી છે. આ કમિટી વિવિધ મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.
વર્ટીપોર્ટ એટલે કે વર્ટીકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ માટે તૈયાર ખાસ પ્રકારના પ્લેટફોર્મ હોય છે, જ્યાંથી નાના હેલિકોપ્ટરો, ડ્રોન અથવા ઈવીટોલ એરક્રાફ્ટ ઉડી શકે અને ઉતરી શકે છે. આવી સેવાઓ દ્વારા લોકો ટૂંકા અંતરના પ્રવાસ માટે એર ટેક્સી તરીકે વિમાન સેવા લઈ શકે છે, જે ખાસ કરીને શહેરોમાં ટ્રાફિકને પાર કરવાની અનોખી તક પૂરી પાડી શકે છે.
પહેલ ગુજરાત માટે મહત્વની
આ પહેલ ગુજરાત માટે માત્ર ટેક્નોલોજી નહીં, પણ આરોગ્ય, સુરક્ષા અને શહેરી પરિવહન માટે પણ ક્રાંતિકારી બની શકે છે. ખાસ કરીને મેડિકલ ઈમરજન્સી, ઓર્ગન ટ્રાન્સપોર્ટ, લાઈફસેવિંગ દવાઓની હેરફેર, અને આપત્તિના સમયે ઝડપથી રાહત પહોંચાડવા માટે એર ટેક્સી અને ડ્રોન સર્વિસ અત્યંત ઉપયોગી બની શકે છે.
એર ટેક્સી સેવાઓ શરૂ થઈ છે
રાજ્ય સરકારે આ યોજનાને આગળ ધપાવવા માટે રૂપરેખા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિ અને ટેક્નોલોજી સિદ્ધાંતો પર આધારિત અભ્યાસ શરૂ કર્યો છે. વિશ્વભરના દેશો જેમ કે દુબઈ, યુએસ અને ચીનમાં ઈવીટોલ અને એર ટેક્સી સેવાઓ શરૂ થઈ છે, તેમ ગુજરાત પણ આવું પહેલું રાજ્ય બની શકે છે. હાઈ લેવલ કમિટીના તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાશે. જો બધું યોગ્ય રીતે ચાલે તો ગુજરાત 2025ના અંત સુધીમાં પોતાના પહેલા વર્ટીપોર્ટથી એર ટેક્સી સેવા શરૂ કરી શકે છે.
આપણ વાંચો : નાના બાળકો સાથે Air Travel કરનારા Parents માટે DGCAએ લીધો મહત્ત્વનો નિર્ણય…