દિવ્યાંગજનો માટે સરકાર કરશે 4184 વિદ્યાસહાયકની ભરતી…

અમદાવાદઃ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતી કરવાનું આયોજન કરાયું છે. જેમાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ભરતી માટે 1 એપ્રિલથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો 10 એપ્રિલ સુધી અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ધો.1થી 5ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટે 3715 અને ધો.6થી 8ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટે 469 મળી કુલ 4184 દિવ્યાંગજનોની વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવશે.
દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી હતી. હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશનના ઓરલ ઓર્ડરને ધ્યાને રાખીને રાજ્યના સમાન્ય વહીવટ વિભાગ દ્વારા 11 નવેમ્બર, 2024ના રોજ પરિપત્રથી દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનોની ભરતી યોજવા માટે પરિપત્ર કર્યો હતો. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા 7 ફેબ્રુઆરી, 2025ના પરિપત્રથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક માટે દિવ્યાંગ વ્યક્તિઓની ઘટને લઈ ખાસ ભરતી કરવા મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ પોલીસમાં બદલીઓનો દોર યથાવત; વધુ 38 પોલીસકર્મીની આંતરિક બદલી…
1થી 5માં શિક્ષક બનવા માટે 3715 જગ્યાઓ
સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 5માં શિક્ષક બનવા માટે 3715 જગ્યાઓ અને ધોરણ-6થી 8માં શિક્ષક બનવા માટે 469 જગ્યાઓ મળી કુલ 4184 જેટલી જગ્યાઓ પર ખાસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. હાલમાં જે કુલ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલા વિભાગવાર, વિષયવાર અને દિવ્યાંગતાના જૂથવાર જગ્યાઓ વેબસાઈટ પર મૂકાશે.