આપણું ગુજરાત

નબળા રોડ-બ્રિજ મામલે ગુજરાત સરકાર એક્શનમાં, કોન્ટ્રાક્ટરને નોટિસ!

ગાંધીનગરઃ વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરી ચાલી રહી છે. આ ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યમાં જ્યાં રોડ –રસ્તા અને પુલની નબળી કામગીરી દેખાય તો તે જિલ્લાના વરિષ્ઠ અધિકારી-અધિકારીએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે અને માર્ગોની નિયત સમયમર્યાદા કામગીરી પૂર્ણ નહીં કરવા તેમ જ નબળી ગુણવત્તાના રોડ બનવવાના કારણે જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી હતી.

જામનગર મનપા દ્વારા કોન્ટ્રાકટરને નોટિસ
જામનગર પાલિકામાં શહેરના ત્રણ મુખ્ય સી. સી. રોડ (૧) કામદાર કોલોની મેઇન રોડ (૨) જનતા ફાટકથી એમ્યુઝમેંટ પાર્ક થઈ 1404 આવાસ સુધીનો રોડ અને (૩) એમ્યુઝમેંટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રોડ પર આસ્ફાલ્ટ રી-કાર્પેટિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ માર્ગોના રી-કાર્પેટિંગનું કામ મે–૨૦૨૨ માં પૂર્ણ થયું હતું. ચાલુ વર્ષે ઉપરોક્ત રસ્તાઓમાં ખામી અને નુકસાન જોવા મળ્યું છે. જે ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ટેન્ડરની શરતો અનુસાર નોટિસ પાઠવવામાં આવી હતી. રોડ હાલ પણ ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ હેઠળ આવેલુ હોવાથી, સીધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. પરિણામે, રોડમાં થયેલ નુકસાનની મરામત કોન્ટ્રાક્ટર પાસેથી તેના સ્વખર્ચે કરવામાં આવશે. આમ, ટેન્ડર કોન્ટ્રાક્ટના ટેન્ડર ક્લોઝ નં. ૩ અને ૧૭ અનુસાર કુલ ૧૫૨૦ ચો.મી. રોડ રિસર્ફેસમાં નુકશાન થયું હતું તેને ડિફેક્ટ લાયેબિલિટી ક્લોઝ અનુસાર કોન્ટ્રાકટર પાસેથી જ રિપેરિંગ અને રી-કન્સ્ટ્રકશન કરાવવામાં આવશે.

ભાવનગરમાં અઢી વર્ષમાં જ કામમાં ક્ષતિ
આ ઉપરાંત ભાવનગરમાં મહાનગરપાલિકા હસ્તક રામમંત્ર મંદિરથી દીલ્બહાર પાણીની ટાંકી સુધી બીટુમીનીયસ પેવરના કામ માટે એજન્સી ઓમ કન્સ્ટ્રકશનને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કામ કંપની દ્વારા તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પૂરું કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સમય પછી આ કામમાં ક્ષતિ જણાતા ઓમ કન્સ્ટ્રકશનના ખર્ચે ડીફેકટવાળા ભાગને રીકાર્પેટીંગ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં ગેરેન્ટી પિરિયડમાં જ રોડ ડેમેજ
વધુમાં આવી જ પ્રોએક્ટિવ કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ચોમાસાના કારણે જૂનાગઢ શહેરમાં આવેલ વોર્ડ નં.૧ થી ૧૫માં અનેક માર્ગો ડેમેજ થયા હતા. શહેરના વોર્ડ નં. એકથી ૧૫માં વિવિધ ગ્રાન્ટ અંતર્ગત રોડ રસ્તાના કામો મંજૂર થયા હતા અને આ કામો હાલ ગેરેંટી પીરીયડ હેઠળ ચાલુ હતા અને રોડ ડેમેજ થયું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા રોડની ઉપરની સરફેશમાં નુકસાન થયેલ અમુક ભાગો છોડવામાં આવ્યા હતા તેમ જ કરવામાં આવતા પેચ – રિસર્ફેસિંગ રોડની સંપૂર્ણ પહોળાઈમાં કરવામાં આવ્યું નહોતું, વધુમાં સંપૂર્ણ સરફેશમાં પેચવર્ક કર્યા બાદ તેમાં આસફાલ્ટ પેઈન્ટિંગ, થર્મોપ્લાસ્ટ વગેરેની કામગીરી પણ હજુ સુધી શરૂ કરવામાં આવી નહોતી આ રોડના સમારકામનું કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ થયું નહતું.

જૂનાગઢ મનપા દ્વારા ત્રણેય કોન્ટ્રાકટરને નોટિસ
જૂનાગઢ મહાનગરપાલિકાને ઘટનાની જાણ થતા ત્રણેય કોન્ટ્રાકટરને નોટીસ આપી સમય મર્યાદામાં તે જગ્યાએ વોર્ડના સંલગ્ન એન્જીનિયરની સુચના મુજબ તેમના સંકલનમાં રહી તાત્કાલિક કામગીરી પુર્ણ કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેથી અંબર બિલ્ડર પાસેથી ડેમેજ થયેલ રાજકોટ રોડ પર ૫૦૦ ચો.મીટરમાં રી-સર્ફેસિંગ કરવવામાં આવ્યું હતું. શ્રમ શ્રદ્ધા કન્ટ્રકશન પાસેથી ડેમેજ થયેલ ૪૩૦૦ ચો.મીટરમાં રી-સર્ફેસિંગ કરવવામાં આવ્યું હતું. સર્જન કન્ટ્રકશન પાસેથી ડેમેજ થયેલ મીરાનગર મેઈન રોડ આશરે ૪૮૦ ચો.મીટર રોડ ડીસમેટલીંગ કરી નવો સી.સી.રોડ બનાવડાવવામાં આવ્યો હતો.

વધુમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી અંતર્ગત ચોમાસા પહેલા નવા માર્ગોનું ખોદાણ ન કરવા તેમજ ચોમાસા પૂર્વ ખોદાણ કરેલ માર્ગોને રીપેર કરવા માટે જરૂરિયાત મુજબ મટિરિયલનો ઉપયોગ કરી વોટરીંગ, તથા રોલિંગ કરવા માટે પી.સી. સ્નેહલ કન્ટ્રકશન પ્રા.લીને મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button