“માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન” સરકારની આ યોજનાએ સંતોષી કરોડો શ્રમિકોની ભૂખ…
ગાંધીનગર: ગુજરાત રાજ્યના માર્ગ અને અન્ય મકાન બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જૂન-2017 માં શ્રમીક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. બાદમા કોરોનામાં આ યોજના બંધ થઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજનાને ફરીથી ગત 8 ઓક્ટોબરના રોજ પુનઃ શરૂ કરાઇ હતી. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂ. 5 ના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. આ યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો Ahmedabad માં માનવ સાંકળ રચી વિરોધ, હિન્દુ સંગઠનો અને ભાજપ જોડાયું
5 રૂપિયામાં ભરપેટ ભોજન
રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે, ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂ. 5 ના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે 19 જિલ્લાના કુલ 290 કડિયાનાકાઓ ખાતે આ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.
રાજ્ય સરકાર ચૂકવે છે રૂ.37 ની સબસિડી
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ હજારો શ્રમિક પરિવારોને રૂ. 5 માં કુલ 75.70 લાખથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં નવા 100 કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. શ્રમિક પરિવારોને માત્ર રૂ. 5 ના નજીવા દરે ભોજન પૂરું પાડવા માટે પ્રતિ ભોજન રાજ્ય સરકાર તરફથી 37 રૂપિયાની સબસીડી ચૂકવવામાં આવે છે.
દૈનિક 32 હજાર ભોજનનું વિતરણ
શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરુઆતથી લઈને વર્ષ ૨૦૨૦ સુધીમાં કુલ 1.15 કરોડથી વધુ પ્લેટ ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે આ યોજનાને સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ ફરીથી વર્ષ ૨૦૨૨માં આ યોજનાને શરૂ કરવામાં આવી હતી. હાલમાં રાજ્યના વિવિધ કડીયાનાકાઓ ખાતેથી શ્રમિક પરિવારોને રોજના સરેરાશ ૩૨ હજારથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના શરુ થઇ ત્યારથી આજ સુધીમાં 150 કરોડથી વધુના ખર્ચે કુલ 2.93 કરોડથી વધુ ભોજનનું વિતરણ કરાયું છે.
આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત બનશે મહાકુંભમાં મહેમાન, UP સરકારના મંત્રીઓએ આપ્યું આમંત્રણ…
કેટલા ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત?
રાજ્યમાં હાલ અમદાવાદ જિલ્લામાં 98, ગાંધીનગર જિલ્લામાં 12, વડોદરા જિલ્લામાં 21, સુરત જિલ્લામાં 40, રાજકોટ જિલ્લામાં 14, વલસાડ જિલ્લામાં 10, મહેસાણા જિલ્લામાં 13, નવસારી જિલ્લામાં 9, પાટણ જિલ્લામાં 15, ભાવનગર જિલ્લામાં 6, આણંદ જિલ્લામાં 6, બનાસકાંઠા જિલ્લામાં 8, ભરૂચ જિલ્લામાં 7, દાહોદ જિલ્લામાં 5, જામનગર જિલ્લામાં 11, ખેડા જિલ્લામાં 4, મોરબી જિલ્લામાં 6, પંચમહાલ જિલ્લામાં 1 અને સાબરકાંઠા જિલ્લામાં 4 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.