ગુજરાતમાં શિક્ષણ સહાયકોની ભરતી થશે, આ વિષયો માટે 7500 બેઠકો ભરાશે
ગાંધીનગરઃ ગુજરાતની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં સમાવેશ થયેલા વિષયોમાં સાક્ષરી વિષયો ઉપરાંત વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. આ ભરતી માટે શાળા મંડળો દ્વારા ભલામણ કરવામાં આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી:
શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ટ્વીટ કરીને આ ભરતી વિશે માહિતી આપી છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરી છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા 24,500 શિક્ષકોની ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષકોની ભરતી કરવાની જાહેરાતમાં ગુજરાત સરકારે કેટલાક વિષયના શિક્ષકોને બાકાત રાખવામાં આવ્યા હતા. આ મામલે TET-TAT પાસ ઉમેદવારોએ કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષક સાથે ચિત્ર તેમજ સંગીત શિક્ષકોની ભરતી કરવા માટે આંદોલન શરૂ કર્યું હતુ. સાથે જ જ્યાં સુધી માંગણીઓમાં હકારાત્મક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઉમેદવારોએ આરોપ લગાવ્યો હતો કે સરકાર એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે અને બીજી બાજુ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરતા નથી. કોમ્પ્યુટર શિક્ષણ ન લેવાથી કેટલીક શાળાઓમાં કોમ્પ્યુટર ધૂળ ખાય છે. ત્યારે હવે સરકાર દ્વારા વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકોની ભરતીને લઇ રાજ્ય શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરાઈ છે.