
ગાંધીનગરઃ રાજ્ય સરકારના પંચાયત સેવા વર્ગ-3ના સીધી ભરતીના કર્મયોગીઓની આંતર જિલ્લા ફેરબદલી માટે ઓનલાઇન, ફેશલેશ અને પેપરલેસ પ્રક્રિયાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વહીવટમાં પારદર્શિતા અને કાર્યદક્ષતા વધુ વેગમાન બનાવવા કર્મચારીઓની બદલીઓ ઓનલાઈન પદ્ધતિથી કરવા માટેનું વિઝન અપનાવ્યું છે.
પંચાયત સેવાના 22 જેટલા સંવર્ગના વર્ગ-3ના કર્મચારીઓની બદલી
પંચાયત વિભાગે આ વિઝનને સાકાર કરતાં વર્ગ-3ના સીધી ભરતીના કર્મયોગીઓની સમગ્ર બદલી પ્રક્રિયા ઓનલાઈન અને વેબ પોર્ટલના માધ્યમથી સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરી હતી. આ ઓનલાઈન બદલી પ્રક્રિયામાં પંચાયત સેવાના 22 જેટલા સંવર્ગના વર્ગ-3ના કુલ 1433 સીધી ભરતીના કર્મયોગીઓની આંતર જિલ્લા ફેરબદલીના આદેશો પંચાયત વિભાગે કર્યા હતા.
આંતર જિલ્લા ફેરબદલીનો પહેલો રાઉન્ડ પૂર્ણ
આંતર જિલ્લા ફેરબદલીમાં યોગ્ય કર્મચારીઓને લાભ મળે તથા પારદર્શિતા જળવાય તેવા કર્મચારી હિતકારી અભિગમ સાથે સીધી ભરતીના આ વર્ગ 3 ના પંચાયત સેવાના કમૅયોગીઓનો આંતર જિલ્લા ફેરબદલીનો પહેલો રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે.