ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે

અમદાવાદઃ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વિવિધ વિષયોનો કોર્સ બદલાશે. 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા આવશે. જેમાં ગણિત, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, પર્યાવરણ, ગુજરાતી જેવા વિષયનો સમાવેશ થાય છે. જ્યારે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં પણ એક નવું પ્રકરણ ઉમેરાતા આ વિષયનું પુસ્તક પણ બદલીને નવું પુસ્તક અમલમાં મુકાશે. લાખોની સંખ્યામાં પુસ્તકો નવા પ્રિન્ટ કરીને સ્કૂલોમાં મોકલાશે.
પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ધોરણ ત્રણ અને ધોરણ 6માં ગણિતનું પુસ્તક બદલાશે. ગણિત વિષય માટે એનસીઈઆરટી ધોરણ ત્રણ અને ધોરણ છના પાઠ્યપુસ્તકો ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરે ત્યારબાદ સમય મર્યાદાને ધ્યાને લઈને અમલ કરવાનો નિર્ણય થાય. આવી જ રીતે ધોરણ ત્રણ અને ધોરણ છમાં પર્યાવરણ અને વિજ્ઞાન વિષય તમામ માધ્યમમાં બદલાશે.
ધોરણ આઠમાં તમામ માધ્યમમાં ગણિતનો અભ્યાસક્રમ બદલાશે. ધોરણ સાતમાં સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સર્વાંગી શિક્ષણ સંસ્કૃત માધ્યમમાં નવા પુસ્તક તરીકે અમલમાં આવશે જે નવા પુસ્તક હશે. ધોરણ 8માં વિજ્ઞાન દ્વિભાષી તમામ માધ્યમમાં બદલાશે.
ધોરણ આઠમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષામાં ગુજરાતીનું પુસ્તક બદલાશે, તો ધોરણ સાતમાં મરાઠી માધ્યમમાં પ્રથમ ભાષામાં મરાઠી વિષયનું પુસ્તક બદલાશે. ધોરણ એક અને ધોરણ બેમાં ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષયનું નવું પાઠ્યપુસ્તક અમલમાં આવશે. તો ધોરણ એક અને ધોરણ બેમાં અન્ય માધ્યમો માટે ગુજરાતી દ્વિતીય ભાષાના નવા પુસ્તક અમલમાં આવશે તેમ નાયબ નિયામકે જણાવ્યું છે.