આપણું ગુજરાત

ગુજરાતના 50 વર્ષ ઉપરના અધિકારીઓમાં આ કારણે ફેલાયો ફફડાટ


ગુજરાતના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહેલા વર્ગ-૧ અને વર્ગ-૨ના જે અધિકારીઓ નિષ્ક્રિય લાગશે કે તેમનો દેખાવ સંતોષકારક નહીં હોય તેઓને નોકરીમાંથી કાઢી મુકવા માટેનો તખતો તૈયાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. (GAD)સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 29 સપ્ટેમ્બરે આ સંદર્ભમાં વિસ્તૃત સૂચનાઓ અપાઈ હોવાની માહિતી બહાર આવી છે. આ બાબત બહાર આવતા જ કર્મચારીઓ- અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતના સિવિલ સર્વિસિસ રૂલ્સ પ્રમાણે કર્મચારીઓને તેની 50 કે 55 વર્ષની વયે તેમને સેવામાંથી નિવૃત કરવાની સત્તા સરકારને મળેલી છે તેમાં અગાઉની સૂચના રદ કરીને નવી પ્રક્રિયા અને માપદંડ જારી કરાયા છે. જેમાં દરેક કેસમાં યોગ્ય તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લઇને જે તે સરકારી કર્મચારી કે પ્રથમ અને બીજા વર્ગના અધિકારીની અકાળે નિવૃતિ સંદર્ભનો નિર્ણય કરાશે. જોકે, રેકોર્ડ પરની માહિતીની આધારે જે તે અધિકારીને નિવૃત્તિ અપાવવાનો નિર્ણય જાહેર હિતમાં છે કે નહીં તેની ચકાસણી થશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે દરેક કેસમાં ત્રણ મહિનાના સમયગાળામાં પૂર્ણ કરીને નિવૃતિ અંગેનો નિર્ણય તેને સંબંધિત સમિતિએ લેવાનો રહેશે જેમાં સરકારની મંજૂરી લેવી પડશે.
સરકારી કર્મચારીઓની ત્રિમાસિક સમીક્ષા ક્યારે કરવી તે પણ નક્કી કરાયું છે. આ માટે એક રજીસ્ટર તૈયાર કરીને જે તે વિભાગ કે સંવર્ગના વરિષ્ઠ અધિકારી દ્વારા તેની શિડ્યુલ મુજબ કર્મચારીઓની નિવૃતિ કે પ્રી મેચ્યોર નિવૃતિની તપાસ અને સમીક્ષા કરાશે.સમીક્ષા સમયે કર્મચારીના સમગ્ર સેવા રેકોર્ડને ધ્યાનમાં રખાશે. આ માટે સમીક્ષા સમિતિએ જે સરકારી કર્મચારીઓની પ્રમાણિકતા શંકાસ્પદ હોય તેમને નિવૃત કરી શકશે. બિનઅસરકારક જણાયેલા સરકારી કર્મચારીઓને પણ નિવૃત કરાશે. સામાન્ય રીતે બિનઅસ૨કા૨તાના આધારે નિવૃત કરી શકાશે નહીં અને તેવા કેસમાં એક વર્ષના સમયગાળામાં કેસની વિચારણા પછી જ નિવૃતિ આપી શકાશે, તેવી માહિતી મળી છે.
તો આવા કર્મચારીઓને તેમના પદ પર ચાલુ રાખવા માટે તેમની યોગ્યતા હોવી જોઇશે. જે સરકારી કર્મચારી શારીરિક કે માનસિક રીતે સેવામાં રહેવા માટે યોગ્ય ન હોય તો તેને નિવૃત કરાશે. ફરજીયાત નિવૃતિ શિક્ષાત્મક પગલા તરીકે લાદવામાં આવશે નહીં તેવા સર્વોચ્ચ અદાલતના અવલોકનને પણ નવી પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવા જીએડી દ્વારા તાકીદ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button