દત્તક લીધેલા બાળક માટેના બર્થ સર્ટિફિકેટ મામલે સરકારે પરિપત્ર જાહેર કર્યો

અમદાવાદઃ દત્તક લીધેલા બાળકના બર્થ સર્ટિફિકેટ મામલે પ્રવર્તતી મૂંઝવણને દૂર કરવા માટે સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો હતો.
15 ડિસેમ્બર, 2025 ના રોજના આ નિર્દેશમાં, જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 અને તેના તાજેતરના 2023 ના સુધારા હેઠળ કાયદેસર દત્તક લીધા પછી સ્થાનિક તંત્રએ દસ્તાવેજોને કેવી રીતે હેન્ડલ કરે છે તે અંગે નિર્દેશ આપ્યા છે.
રાજ્યભરના વિવિધ સબ-રજિસ્ટ્રાર દત્તક સંબંધિત એન્ટ્રીઓ અંગે હાલની માર્ગદર્શિકાનું ખોટું અર્થઘટન કરી રહ્યા હોવાના કિસ્સાઓ બહાર આવતા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વધુ મૂંઝવણ અટકાવવા અને દત્તક લેનારા માતાપિતા અને બાળકોના અધિકારોનું સચવાય તે માટે, રાજ્ય સત્તાવાળાઓએ અગાઉના મૂંઝવણભર્યા પરિપત્રોને ઔપચારિક રીતે રદ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નવા જાહેરનામા મુજબ, એકવાર દત્તક લેવાની પ્રક્રિયા સંબંધિત કાયદાઓ – ખાસ કરીને હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956, અથવા કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમ, 2015 (2021 માં સુધારેલ) હેઠળ કાયદેસર રીતે પૂર્ણ થઈ જાય પછી, અરજદારો જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારનો સંપર્ક કરી શકે છે. માન્ય કાનૂની દત્તક દસ્તાવેજ અથવા કોર્ટના આદેશ સબમિટ કર્યા પછી, દત્તક લેનારા માતાપિતાના નામનો રેકોર્ડ અપડેટ કરવાનું રજિસ્ટ્રાર માટે ફરજિયાત છે.
અગાઉ દત્તક સંતાન લેતા માતા-પિતાએ અમુક દસ્તાવેદજો મેળવવા માટે જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, હવે દત્તક સંતાન લેતા પરિવારો માટે સરળતા રહેશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક આદેશ જારી કર્યો છે કે એકવાર દત્તક લેનાર માતા-પિતા દ્વારા દત્તક દસ્તાવેજ રજૂ કરવામાં આવે, પછી રજિસ્ટ્રાર પાસે તેને ચકાસવાની કોઈ સત્તા નથી અને કોર્ટના કોઈપણ વિરુદ્ધ આદેશ સિવાય કાયદા મુજબ નામ બદલવાનું રહેશે.



