ગુજરાતની પ્રજા માટે રૂપિયા ના વપરાયા! વિભાગોને ફાળવવામાં આવેલું 5૦% ભંડોળ પડી રહ્યું
ગાંધીનગર: ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો ત્રણ ચતુર્થાંશ સમય વીતવા આવ્યો છે, છતાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોને ફાળવવામાં આવેલા ભંડોળની 50 ટકા રકમ વપરાયા વગરની પડી રહી છે. અહેવાલ મુજબ વિભાગોએ 2023-24ના બજેટમાં તેમને જે ફાળવણી કરવામાં આવી હતી તેના માત્ર 50.93%નો જ ઉપયોગ કર્યો છે. જ્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે વર્ષ માટે ફાળવેલ ભંડોળના 105.41%નો ઉપયોગ કર્યો છે, ત્યારે મહેસૂલ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 22.89% ભંડોળનો જ ઉપયોગ કર્યો છે.
ભંડોળનો મહત્તમ ઉપયોગ કરનારા વિભાગોમાં કાયદાકીય અને સંસદીય બાબતો, ગૃહ, શિક્ષણ અને મહિલા અને બાળ વિકાસ વિભાગોનો સમાવેશ થાય છે. બીજી તરફ, મહેસૂલ, આબોહવા પરિવર્તન, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે ફાળવેલ ભંડોળનો સૌથી ઓછો ઉપયોગ કર્યો છે. આ વર્ષની શરૂઆતમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ કરાયેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(CAG)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “રાજ્ય સરકારે વિભાગોની જરૂરિયાતો અને ફાળવેલા સંસાધનોનો ઉપયોગ કરવાની તેમની ક્ષમતાના આધારે વાસ્તવિક બજેટ ઘડવાની જરૂર છે.”
CAGના અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા બજેટના યોગ્ય અમલીકરણ અને દેખરેખને લાગુ કરવા માટે યોગ્ય નિયંત્રણ પદ્ધતિની સ્થાપના કરાવી જોઈએ. CAGએ અવલોકન કર્યું હતું કે વિભાગો વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓ માટે વધારાના ભંડોળની માગણી કરે છે, તેમ છતાં તેઓ આખરે મૂળ બજેટ જોગવાઈ અને પૂરક જોગવાઈ અથવા તેના ભાગો કરતાં ઓછો ખર્ચ કરે છે. પરિણામે, બિનઉપયોગી ભંડોળનો ઉપયોગ કરી શકાતો નથી.