ગુજરાત સરકારે ગૌણસેવા પરીક્ષામાં કર્યા આ મોટા ફેરફાર
રાજ્યમાં ભરતી માટેની સૌથી વધુ પરીક્ષાનું આયોજન કરતાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામા આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. જેમાં પહેલી વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સંપૂર્ણ પરીક્ષા પેપરલેસ રહેશે. જેના માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આ સાથે મોટો બીજો ફેરફાર એ પણ રહેશે કે એક સાથે તમામ પરિક્ષાર્થીઓની પરીક્ષા ન લેતા એક કરતા વધારે દિવસ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ નિર્ણય સરાહનીય માનવામાં આવે છે અને આને લીધે પેપરલીક તેમ જ અવ્યવસ્થાની ફરિયાદોનો અંત આવશે, તેમ માનવામાં આવે છે.
આ પરીક્ષા સો ટકા પેપરલેસ રહેશે. વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર ઉપર ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. તેમજ કોમ્પ્યુટર માટે એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરશે. એટલું જ નહીં એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ આપી પરીક્ષા શકશે. જેના માટે TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપવામાં આવી હોવાના અહેવાલો મળ્યા છે.
વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે પરીક્ષા કેટલા દિવસ લેવી તે અંગેનો નિર્ણય થશે. એક દિવસમાં ત્રણ પેપર પણ હોઈ શકે છે. મોટે ભાગે એક શિડ્યુઅલમાં 15,000 વિદ્યાર્થી જ હોય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે નહીં બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે. તેમજ બીટ ગાર્ડની પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય ચાલશે તેવી પણ વિગતો જાણવા મળી છે. રાજ્યમાં પહેલી વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સાથે પેપરલેસ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જોકે હજુ આ અંગે બીજા ફેરફારો થાય તેવી સંભાવના છે અને સત્તાવાર રીતે સરકાર પરીક્ષાર્થીઓને માહિતી આપશે.