આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 11મો દિવસ: સરકારે 2,100 કર્મચારીને નોકરીમાંથી કર્યા છૂટા

અમદાવાદઃ ગુજરાતના પંચાયત વિભાગના આરોગ્યકર્મીઓ સતત 11 દિવસથી હડતાળ કરી રહ્યાં છે. સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરતા આઠ જિલ્લામાંથી 2100 આરોગ્યકર્મીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. જ્યારે પાંચ હજારથી વધુ કર્મચારીઓને શોકોઝ નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા હતાં.
આ પણ વાંચો: આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કહ્યું- હડતાળ સમેટી લો નહીંતર…
હડતાળ સમેટ્યા બાદ થઈ શકે વાતચીત
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્યકર્મીઓની જે માગો હતી તેમાંથી માત્ર એક જ માગ સ્વિકારવા પાત્ર હતી. જ્યારે ગ્રેડ પે સુધારવાની માગ મુદ્દે સમજ્યા વિચાર્યા વિના આગળ વધી શકાય એમ નથી. કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ આવે તો ચર્ચા થાય બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી. આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી છે. તેમને હું અપીલ કરું છું કે ફરજ પર પરત ફરો સરકાર લોકોનાં આરોગ્ય સાથે ચેડાં સાંખી નહીં લે.
આરોગ્ય કર્મચારી સંઘે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી
આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી હતી કે સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે. મહાસંઘે તમામ કર્મચારીઓને હડતાળને સમર્થન આપવા ગાંધીનગર આવવા અપીલ કરી હતી. આરોગ્યકર્મીઓની મુખ્ય માગોમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર, ફીમેલ હેલ્થવર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર, તાલુકા મલ્ટીપર્પઝ હેલ્થવર્કર, તાલુકા સુપરવાઇઝર અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ સહિત ગ્રેડ પેમાં સુધારો કરવાની માગ સામેલ છે. આ ઉપરાંત ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માગ પણ કરવામાં આવી છે.