2025 પહેલા સરકારી અધિકારીઓને લહાણી: રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 7 ટકાનો વધારો…
ગાંધીનગર: 2024ના અંતમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ગુજરાત રાજ્ય સેવા(પગાર સુધારણા) નિયમો-2009ના પગારધોરણે હેઠળ નોકરી કરતા કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકારી કર્મચારીઓને 5 મહિનાનું એરિયર્સ પણ મળશે. સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.
આ પણ વાંચો : PM Modi આવતીકાલે રાજસ્થાનમાં 11 નદીને જોડતા 40,000 કરોડના પ્રોજેક્ટને લોન્ચ કરશે…
ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો- 2009 હેઠળના પગારધોરણો મુજબના પગારના મોંધવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. નાણા વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2009 હેઠળના પગારધોરણ પ્રમાણે પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર આ કર્મચારીઓને 1 જુલાઈ 2024ની અસરથી મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે અને જુલાઈ 2024થી નવેમ્બર 2024 વચ્ચેના 5 મહિનાનું એરિયર્સ ડિસેમ્બર મહિનાના પગારમાં ચૂકવાશે.
નાણાં વિભાગનો સત્તાવાર પરિપત્ર જાહેર
- ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો – 2009 હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભમાં દર્શાવેલ ક્રમ (3) થી દર્શાવેલ તા.4 જુલાઈ 2024ના સરકારી ઠરાવ નં. વલભ-102009-જીઓઆઇ-10-ચ અન્વયે મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તા.1 જાન્યુઆરી 2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2016 લાગુ પાડવામાં આવતાં નવા પગારધોરણો ઉપર તા.1 જાન્યુઆરી 2016થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતોવખત વધારો મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2016 અનુસારના પગારધોરણો લાગુ પાડવામાં આવેલા નથી અને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2009 હેઠળના પગારધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં તા.1 જુલાઈ 2024થી સુધારણા કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
- નાણા વિભાગના તા.4 જુલાઈ 2024ના સરકારી ઠરાવ નં. વલભ-102009-જીઓઆઇ-10-ચ થી છઠ્ઠા પગારપંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને તા.1 જાન્યુઆરી 2024ની અસરથી 239% મુજબ મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે.
- પુખ્ત વિચારણા બાદ, રાજ્ય સરકારે છઠ્ઠા પગારપંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં તા.01/07/2024 થી નીચે મુજબ વધારો કરીને ચૂકવવાનું નક્કી કરેલ છે. ચૂકવવા પાત્ર તારીખ તા.01/07/2024થી ચૂકવવા પાત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારના 246%.
કર્મચારીઓના કિસ્સામાં, ડીસેમ્બર-૨૦૨૪ માસથી ૨૪૬% મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સુચિત મોંધવારી ભથ્થાના જુલાઈ-૨૦૨૪ થી નવેમ્બર- ૨૦૨૪ માસ સુધીના કુલ- ૫ માસના તફાવતની રકમ ડીસેમ્બર માસના પગાર સાથે (પેઈડ ઈન જાન્યુઆરી-૨૦૨૫) ચુકવવાની રહેશે.
- આ હુકમો હેઠળ મોંઘવારી ભથ્થુ વિનિયમિત કરતી વખતે નાણા વિભાગના તા.૨૭/૨/૨૦૦૯ ના સરકારી ઠરાવ નં. પીજીઆર/૧૦૦૯/૬/પે સેલ (મ) ના ફકરા નં. ૩ અને ૪ માં આપેલી જોગવાઈઓ અગાઉની જેમ જ લાગુ પડશે. મોંઘવારી ભથ્થામાં ૫૦ (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને ૫૦ (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણત્રીમાં લેવામાં આવશે નહીં.
- એન.પી.પી.એ. મેળવનાર કર્મચારી/અધિકારીઓને મોંઘવારી ભથ્થાના હાલના કુલ ૯% વધારાના લાભની ગણત્રી પગાર સુધારણા-૨૦૦૯ મુજબ તથા નાણા વિભાગ (૫.એ.) ના તા. ૨૫/૦૬/૨૦૧૦ ના ઠરાવ ક. પીજીઆર/૧૦૦૯/૮/પે સેલ, તા. ૦૧/૦૯/૨૦૧૦ ના ઠરાવ ક્ર. પીજીઆર/૧૦૧૦/૫૧/પે સેલ, તા. ૨૨/૧૧/૨૦૧૧ ના ઠરાવ ક્ર. પીજીઆર-૧૦૧૧/૬૭/પે સેલ તથા તા. ૧૨/૦૪/૨૦૧૨ ના ઠરાવ ક્ર. પીજીઆર/૧૦૧૧/૭૦/પે સેલ મુજબ કરવાની રહેશે.
- આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ, સહાયક અનુદાન લેતી બિન-સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે. રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો- ૨૦૦૯ હેઠળના પગારધોરણમાં પગાર મેળવતા હોય તેઓને આ ઠરાવની જોગવાઈ મુજબ વધારો મળવાપાત્ર થશે.
- પ્રસ્તુત ઠરાવનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુકિત ઉપરના અથવા બદલી પામેલ વ્યક્તિઓને તેમજ કામ પૂરતા મહેકમના કર્મચારીઓને આપવામાં આવશે. તે જ પ્રમાણે પંચાયતો, સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓએ તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન-સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકો તેમજ તે જ પ્રમાણે સહાયક અનુદાન લેતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતું ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે, આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ.