ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે લીધો મહત્વનો નિર્ણય; Digital Attendance System લાગુ
ગાંધીનગર: સરકારી નોકરી કરતાં અધિકારીઓ માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સમયસર હાજરી માટે ‘Digital Attendance System’નો અમલ કર્યો છે. હાલ આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરવામાં આવશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે.
આ માટે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર અનુસાર સચિવાલયના વિભાગો તેમજ અન્ય સરકારી કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા તથા શિસ્ત જાળવે તેમજ સરકારી કામકાજમાં કાર્યક્ષમતા વધે, નિયમિત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય તે હેતુસર સરકારી કચેરીઓ માટે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
સરકારે લાગુ કરી ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ
સરકારી કચેરીઓમાં અધિકારીઓ કે કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો, મીડિયા અહેવાલો બાદ સરકાર લાંબા સમયથી સરકારી કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓની હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થાય તે માટે તેમજ મોડા આવનાર અધિકારીઓ-કર્મચારીઓ ઉપર નિયંત્રણ રહે તે માટે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થા દાખલ કરવાની વિચારણા કરી રહી હતી. આ બાબતની વિચારણા બાદ સરકારે સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે.
Alsor read: ઓપરેશન ગંગાજળઃ ગુજરાત સરકારે વધુ ચાર આરોગ્ય અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા
ક્યારથી થશે લાગુ?
હાલ તો સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો, કલેકટર ઓફીસ તેમજ ડી.ડી.ઓ. ઓફીસ- ગાંધીનગર, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓએ અધિકારીઓ/કર્મચારીઓની હાજરી માટે 1 ફેબ્રુઆરીથી ‘Digital Attendance System’નો અમલ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ સરકારની અન્ય કચેરીઓમાં ‘Digital Attendance System’ નો અમલ કરવામાં આવશે.
3 મહિનાનો પ્રારંભિક સમયગાળો
હાલ પ્રારંભિક તબક્કે 3 મહિનાના સમયગાળા માટે ‘Digital Attendance System’માં હાજરીની નોંધણી સાથે વર્તમાનમાં અમલમાં રહેલ હાજરી પ્રથાને પણ ચાલુ રાખવાની રહેશે. ‘Digital Attendance System’થી office location mapping, mark attendance, attendance tracking, data analysis તેમજ reporting ની સુવિધા આપવામાં આવેલ છે.