ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોની Stipend ના મુદ્દે આજે હડતાળ, દર્દીઓને હાલાકી
અમદાવાદઃ ગુજરાતના રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડના(Stipend)મુદ્દે આજે હડતાળ પર ઊતર્યા છે. આ હડતાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સહિતની તમામ સેવાઓથી અળગા રહ્યા છે. જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ રોગચાળો ફાટી નિકળ્યો છે બીજી તરફ 6000 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે દર્દીઓએ આજે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં અમદાવાદમાં 10 હજારથી વધુ ઓપીડી રદ કરવામાં આવી છે.
રેસિડેન્ટ ડોક્ટરોની માગણી ગેરવ્યાજબી
રાજ્ય સરકાર દ્વારા અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા 40 ટકા સ્ટાઇપેન્ડ વધારા માટે હડતાળ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઈ છે જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી.
40 ટકા સ્ટાઇપેન્ડ વધારાની માંગ
1લી લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું કર્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં 40 હજારથી 70 હાજર સ્ટાઇપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ એક લાખથી વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષનો બોન્ડ છે.
સ્ટાઇપેન્ડ 40 ટકા વધારવાની માગ
અમદાવાદના બી.જે. મેડિકલ કોલેજના ડોકટરોએ જણાવ્યું હતુ કે, સતત છેલ્લા છ મહિનાથી સ્ટાઈપેન્ડ વધારા બાબતે સરકાર સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી છે. આ રજૂઆતો મુજબ દર ત્રણ વર્ષે જુનિયર ડૉક્ટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારો થતો હોય છે. જેનો આખરી વધારો 1લી એપ્રિલ, 2021માં થયો હતો. જેના ત્રણ વર્ષ 31મી માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયાં હતાં. આથી અમારી માંગ સરકારના પરિપત્ર મુજબ 1લી એપ્રિલ, 2024થી અમારા સ્ટાઈપેન્ડમાં 40 ટકાના વધારા માટે હતી.
માત્ર 20 ટકાનો વધારો આપ્યો
તેમણે વધુમાં જણાવ્યું કે 9મી જુલાઈ, 2024ના રોજ આરોગ્યપ્રધાન સાથે થયેલી મુલાકાતમાં અમને સ્ટાઈપેન્ડમાં 40 ટકાના વધારાનું આશ્વાસન આપ્યું હતું. જેથી લોકશાહી સરકાર પર વિશ્વાસ રાખીને આંદોલન મોકૂફ રાખ્યું હતું. ત્યાર બાદ સતત 10 થી 12 મુલાકાતો તેમજ છેલ્લા છ મહિનાની મહેનત તથા સરકાર પર પૂર્ણ ભરોસો રાખવા છતાં માત્ર 20 ટકાનો અસંતોષકારક વધારો આપ્યો છે. આ ઉપરાંત આગામી સ્ટાઈપેન્ડ વધારાની મુદત પાંચ વર્ષ કરવામાં આવી છે.