ગુજરાત સરકાર Mahakumbh ના શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે, ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો…

અમદાવાદ : ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં(Mahakumbh)સહભાગી થવા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ સેવા-સુવિધા મળી રહે તે માટે ગુજરાત પ્રવાસન નિગમે પ્રયાગરાજ ખાતે ગુજરાત પેવિલિયન બનાવ્યું છે. ગુજરાત પેવિલિયનનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાથી પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનો છે.
ફ્રી હેલ્પલાઈન નંબર 1800-180-5600
આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-180-5600 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર સંપર્ક કરીને ગુજરાતીઓ મહાકુંભ-2025ને લગતી તમામ માહિતી ઉપરાંત પેવેલિયનની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી શકશે.
આ પણ વાંચો : મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો, જાણો તેનો ઇતિહાસ
હસ્તકલાના 15 જેટલા સ્ટોલ પણ બનાવાયા
વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ ગુજરાતના સાંસ્કૃતિક, પ્રાકૃતિક તથા ઐતિહાસિક વારસાથી માહિતગાર થઈ શકે તે હેતુથી ગુજરાતના શ્રેષ્ઠ પર્યટક સ્થળોની ઝાંખી ત્યાં ઊભી કરવામાં આવી છે. મહાકુંભમાં આવતા ભક્તો અને પ્રવાસીઓ ગુજરાતના હસ્તકલા વારસાથી માહિતગાર થઈ શકે ઉપરાંત ખરીદી પણ કરી શકે તે હેતુથી ગુજરાતના વૈવિધ્યસભર હસ્તકલાના 15 જેટલા સ્ટોલ પણ બનાવાયા છે.
મહિલાઓ સ્વાવલંબી અને આત્મનિર્ભર બનશે
આ પેવેલિયનમાં ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા 10 સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં યાત્રિકો ગુજરાતી ભોજનનો આનંદ માણી શકશે. આ પગલાંથી ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓ સ્વાવલંબી અને આત્મનિર્ભર બનશે.