ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે ₹1.50 કરોડ સુધીની સહાય | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે ₹1.50 કરોડ સુધીની સહાય

ગાંધીનગરઃ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન એઈડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓને આ સહાય 80:20ના પ્રમાણમાં આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન અને ખાસ કરીને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. રાજ્યમાં ગ્રાન્ટ ઇન એઈડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એટલું જ નહિ, શિક્ષણ વિભાગ તરફથી લેવામાં આવી રહેલા પરિણામલક્ષી પગલાંઓને પરિણામે આવી શાળાઓમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ વધારો થવાની પણ સંભાવનાઓ રહેલી છે.

આ પણ વાંચો: રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના કર્મચારીઓ માટે રજાના જાહેર થયા નવા નિયમો: મળશે મેડિકલ અને ખાસ રજા

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવનારા સમયની આવી જરૂરીયાતો અંગે વિઝનરી પ્લાનિંગ સાથે ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓમાં પણ સરકારી શાળાઓની જેમ માળખાકીય સુવિધાઓને સુદ્રઢ કરવા માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર શિક્ષણ પ્રધાન ડૉ. કુબેરભાઈ ડીંડોરના દિશાદર્શનમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26થી 5 વર્ષ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકારે શિક્ષણ જગતના અને શાળાના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ યોજના શરૂ કરીને શાળા સંચાલક મંડળ સંઘની માંગણીનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.મુખ્ય પ્રધાને મંજૂર કરેલી આ યોજના અન્વયે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગતની આવી ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે 10 લાખથી 1.50 કરોડ સુધીની આર્થિક સહાય શાળાઓમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ફક્ત એક જ વાર મળી શકશે.

આ પણ વાંચો: ગુજરાત વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે અગ્રેસર, 556 આઈટીઆઈમાં તાલીમ સુવિધા ઉપલબ્ધ

શાળાઓને જે માળખાકીય સુવિધાઓ માટે આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે તેમાં ખૂટતા વર્ગખંડના બાંધકામ, પુસ્તકાલય, લેબોરેટરી, કમ્પ્યુટર લેબ, વોકેશનલ રૂમ, ગર્લ્સ રૂમ વગેરે વિશિષ્ટ ખંડોના બાંધકામ, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ છાત્રો માટેના નવા ટોયલેટ બ્લોક્સ તથા પીવાના પાણીની સુવિધા અને અન્ય મેજર રિપેરીંગ તેમ જ રંગરોગાન, કમ્પાઉન્ડ વોલ અને દિવ્યાંગ માટે જરૂરી સુગમ્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સુવિધાઓ માટે થનારા ખર્ચના 80 ટકા રાજ્ય સરકાર આપશે તથા બાકીના 20 ટકા રકમ સંબંધિત શાળા મંડળ દ્વારા ભોગવવાની રહેશે.

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત આવતી અને આ સહાય માટે પાત્રતા ધરાવતી ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં નિયત નમૂનામાં દરખાસ્ત કરીને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી શકશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરેલો આ શિક્ષણ હિતલક્ષી નિર્ણય ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓમાં વિદ્યાર્થીલક્ષી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં મદદરૂપ બનશે અને સંચાલકો પરનું આર્થિક ભારણ પણ ઓછું થશે. આ અંગેના વિધિવત ઠરાવો શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button