અમદાવાદ અને સુરતમાં ટ્રાફિક જામ હળવો કરવા સરકારે કમર કસી, બજેટમાં થઈ શકે છે જાહેરાત…

અમદાવાદઃ રાજ્યમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. રાજ્યના બે મોટા શહેર અમદાવાદ અને સુરતમાં ટ્રાફિક જામની સ્થિતિ હળવી કરવા સરકારે કમર કસી છે. રાજ્ય સરકારે યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (UMTA) રચના કરી છે. જે સિટી બસ, બીઆરટીએસ, મેટ્રો રેલ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાથે કો ઓર્ડિનેશન કરશે. રાજ્ય સરકાર આ અંગે બજેટમાં જાહેરાત કરી શકે છે.
યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીનો હેતુ અમદાવાદ અને ટેક્સટાઇલ હબ સુરતમાં સતત વધતા જતા ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો, રહેણાંક વિસ્તારોથી કાર્યસ્થળ સુધી પહોંચવા માટેની મુસાફરી સરળ બનાવવી અને છેવાડાના વિસ્તારો સુધી પરિવહન સુવિધા સુનિશ્ચિત કરવી તથા બંને મુખ્ય શહેરોમાં શહેરી જાહેર પરિવહન વ્યવસ્થાના સંચાલનને વધુ આધુનિક અને સક્ષમ બનાવવાનો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને મળેલી ઓથોરિટીની પ્રથમ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને સહાય પૂરી પાડવા માટે સીડ કેપિટલ તરીકે રૂ. 100 કરોડનું અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકાર બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકે છે.
આ ઉપરાંત અમદાવાદ અને સુરત માટે ત્રણ વધારાની પહેલો જેવી કે વન સિટી વન મોબિલિટી કાર્ડ, કોમન મોબિલિટી પ્લાન અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી હતી. બંને શહેરોના મ્યુનિસિપલ કમિશનરોને આ અંગેના વિગતવાર અહેવાલો વહેલી તકે રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.

વન સિટી, વન મોબિલિટી કાર્ડ
આ પ્રસ્તાવિત કાર્ડ મુસાફરોને બીઆરટીએસ, સિટી બસ સેવાઓ અને મેટ્રો રેલમાં નિશ્ચિત અંતર સુધી મુસાફરી કરવા સક્ષમ બનાવશે, જેનાથી એક જ પેમેન્ટ સિસ્ટમ દ્વારા તમામ જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ સરળ બનશે. બંને મ્યુનિસિપલ કોર્પોરેશનને ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ મોબાઈલ એપ્લિકેશન સાથે આ કાર્ડ લોન્ચ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અને અમલીકરણ એજન્સીની પસંદગી માટે વહેલી તકે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ બહાર પાડવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
કોમન મોબિલિટી પ્લાન
બંને શહેરોમાં કયા રૂટ પર જાહેર પરિવહન ઉપલબ્ધ છે અને કયા વિસ્તારોમાં કનેક્ટિવિટીનો અભાવ છે તે ઓળખવા માટે સર્વે કરવામાં આવશે. ત્યારબાદ, જે વિસ્તારોમાં સુવિધા ઓછી છે ત્યાં જાહેર પરિવહન સેવાઓ શરૂ કરવામાં આવશે.
લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી
યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીનો હેતુ મુસાફરોના ઘરની નજીકના સ્થળોથી તેમના કાર્યસ્થળ સુધી જાહેર પરિવહનની સુવિધાજનક પહોંચ સુનિશ્ચિત કરવાનો છે, જેનાથી પબ્લિક ટ્રાન્સપોર્ટની ઉપયોગિતામાં સુધારો થશે. અમદાવાદમાં મોટેરા અને થલતેજ સહિતના મુખ્ય મેટ્રો જંકશન પર મોટા મલ્ટીમોડલ હબ બનાવવાનું આયોજન છે, જ્યાં સંકલિત ફીડર સેવાઓ આસપાસના વિસ્તારોને જોડશે. આનાથી ટ્રાન્ઝિટ પોઈન્ટ સુધી પહોંચવા માટે ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે અને પાર્કિંગની ભીડને ઉકેલવામાં મદદ મળશે.
આ પણ વાંચો…AMC બજેટમાં મોટી જાહેરાત, રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ કાંઠે દોડશે AMTS…
સૂત્રોના કહેવા પ્રમાણે અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ મજબૂત જાહેર પરિવહન પ્રણાલીના આયોજન, અમલીકરણ, સંચાલન અને જાળવણીમાં મદદરૂપ થશે. લાસ્ટ-માઈલ સેવાઓમાં સુધારાથી રસ્તાઓ પર ખાનગી વાહનોની સંખ્યા ઘટશે અને ટ્રાફિક જામમાં રાહત મળશે તેવી અપેક્ષા છે. તમિલનાડુ, હરિયાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં સમાન પ્રકારનું શહેરી ટ્રાન્સપોર્ટેશન મોડલ પહેલેથી જ કાર્યરત છે. ગુજરાત આ મોડેલોને અપનાવી રહ્યું છે, જેની શરૂઆત અમદાવાદ અને સુરતથી કરવામાં આવી છે અને ભવિષ્યમાં અન્ય મોટા શહેરોમાં પણ આ માળખાને વિસ્તારવાની યોજના છે.
થોડા સપ્તાહ પહેલા રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાને લઈ એક રિપોર્ટ સામે આવ્યો હતો. જે મુજબ આ પાછળનું મુખ્ય કારણ ટ્રાફિક પોલીસકર્મીઓની ઘટ હતી. અમદાવાદ ટ્રાફિક પોલીસમાં 2100થી વધુ પોલીસ કર્મીઓની છે. મળતી વિગત પ્રમાણે, ટ્રાફિક વિભાગની કુલ મંજૂર થયેલી સંખ્યા 5958 કર્મચારીઓ છે, જેની સામે હાલમાં માત્ર 3794 પોલીસકર્મીઓ જ કામ કરી રહ્યા છે.



