‘જગતના તાત’ની હિંમતને સલામ! માવઠાએ બગાડ્યું, પણ ખેડૂતોએ હાર ન માની; આ જિલ્લામાં વાવેતરની નવી શરૂઆત…

ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. સર્વે બાદ સરકારે ગઈકાલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ દરમિયાન માવઠાના માર બાદ ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોએ બટાટા, તમાકુ, વરિયાળી રાઇ અને ચણાના પાકનું ફરી વાવેતર શરૂ કર્યું હતું.
જિલ્લામાં માવઠાના વરસાદના કારણે બટાટાનું વાવેતર એક પખવાડિયા જેટલું ઢીલમાં પડયું છે. ખેડૂતો દ્વારા વાવેતર માટે કટિંગ કરી, દવા છાંટીને તૈયાર કરેલું બિયારણ વાવવામાં આવે તેના પહેલા જ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે બિયારણ બગડી ગયું હતું. જેથી ખેડૂતોને બિયારણ ફેંકી દેવું પડ્યું હતું, પરિણામે પાકની કમાણી તો દુર રહી ખેડૂતોએ કરેલો બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો હતો.

ગત વર્ષે આ ગાળામાં જિલ્લામાં 1579 હેક્ટરમાં વિવિધ રવિ પાકનું વાવેતર થયુ હતું. તેની સામે આ વર્ષે વાવેતરની મોડી શરૂઆત છતાં ધરતીપુત્રો જુસ્સાભેર ખેતરમાં ઉતર્યા હતા પરંતુ પાણીથી તરબોળ જમીન હોવાના કારણે બટાટાનું વાવેતર ગત વર્ષની સરખામણીના દિવસોમાં અડધે પણ પહોંચ્યુ નથી. ગાંધીનગર જિલ્લામાં રવિ મોસમમાં વિવિધ પાકના વાવેતરની છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 90012 હેક્ટરની નોંધવામાં આવી હતી.
રવિ મોસમમાં ખેડૂતો દ્વારા પિયત અને બિન પિયત ઘઉં, જુવાર, મકાઇ, ચણા, રાઇ, શેરડી, તમાકુ, જીરૂ, ધાણા, લસણ, સવા, ઇસબગુલ, વરિયાળી, ડુંગળી, બટાટા, શાકભાજી અને ઘાસચારા પૈકીના પાકોનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચણાનું 31 હેક્ટરમાં, રાઇનું 1470 હેક્ટરમાં, તમાકુનું 150 હેક્ટરમાં, વરિયાળીનું 48 હેક્ટરમાં, બટાટાનું 178 હેક્ટરમાં શાકભાજીનું 399 હેક્ટરમાં અને ઘાસચારાનું 1302 હેક્ટરમાં મળીને જિલ્લામાં કુલ 3578 હેક્ટરમાં વાવેતર થયું છે.
આ પણ વાંચો…ભૂપેન્દ્ર પટેલ સરકારના ખેડૂતો માટેના પેકેજથી નારાજ દિગ્ગજ નેતાનું ભાજપમાંથી રાજીનામું



