આપણું ગુજરાત

ગુજરાતમાં જિલ્લા પ્રમાણે બનશે કલાઈમેન્ટ ચેન્જ પોલિસી, જાણો શું છે સરકારનો પ્લાન

અમદાવાદઃ ક્લાઈમેટ ચેન્જના કારણે અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે. ભારતને 2070 સુધીમાં નેટ ઝીરો એમિશનના લક્ષ્યાંકને હાંસલ કરવા ગુજરાત સરકારે જિલ્લા સ્તરે પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા પર્માણે, ક્લાઈમેટ ચેન્જને રોકવા દરેક જિલ્લા મુજબના અંદાજો અને જરૂરી પગલાંઓની વિગતો હોય તેવી પોલિસી પર રાજ્ય સરકાર કામ કરી રહી છે. સેક્ટર-વાઇઝ ઉત્સર્જનના આંકડાઓને આધારે, પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે જિલ્લાવાર નીતિ તૈયાર કરશે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, ઊર્જા અને પરિવહન ઉત્સર્જનમાં સૌથી મોટો ફાળો આપે છે. રાજ્યમાં કુલ ઉત્સર્જનમાં જાહેર વીજ ઉત્પાદનનો હિસ્સો 24.66 ટકા સાથે ટોચ પર છે, ત્યારબાદ ઔદ્યોગિક ઊર્જાનો હિસ્સો 17.40 ટકા છે. જ્યારે માર્ગ પરિવહન કુલ ઉત્સર્જનનો 10.47 ટકા હિસ્સો ધરાવે છે. જિલ્લાવાર ઉત્સર્જનના આંકડા પ્રમાણે કચ્છ 17.8% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જ્યારે જામનગર 13.13% સાથે બીજા ક્રમે છે. સુરત 10.57% સાથે ત્રીજા ક્રમે છે. આ જિલ્લાઓમાં ઝડપી ઔદ્યોગિકીકરણને કારણે ઉત્સર્જનનું સ્તર ઊંચું જોવા મળ્યું છે. જ્યારે અમદાવાદ જિલ્લો રાજ્યના કુલ ઉત્સર્જનમાં 5.14% હિસ્સો ધરાવે છે. અમદાવાદમાં માથાદીઠ CO2 ઉત્સર્જન 1.17 છે, જેમાં વાર્ષિક 1.82% ના દરે વૃદ્ધિ થઈ રહી છે.

ઓલિમ્પિકની તૈયારીઓ અને રિન્યુએબલ એનર્જી પર ભાર

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય જ્યારે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા અને ઓલિમ્પિક માટે દાવેદારી કરવા તૈયાર થઈ રહ્યું છે, ત્યારે ક્લાઈમેટ ચેન્જના મુદ્દાને યુદ્ધના ધોરણે ઉકેલવો જરૂરી છે. ઊર્જા ક્ષેત્રે ઉત્સર્જન ઘટાડવા માટે સોલાર, વિન્ડ અને ટાઈડલ એનર્જી જેવા વૈકલ્પિક સ્ત્રોતોને પ્રોત્સાહન આપવામાં આવશે.

ગુજરાત હાલમાં સૌર ઊર્જાના વપરાશમાં દેશમાં મોખરે છે. આ ઉપરાંત, રાજ્યમાં ‘ગ્રીન હાઈડ્રોજન પોલિસી’ પણ લોન્ચ કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર એક ‘ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી’ સ્થાપવાની યોજના પર પણ આગળ વધી રહી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button