Gujarat માં હડતાળ પર ઉતરેલા પંચાયત વિભાગના 1100 આરોગ્ય કર્મીઓને સરકારે નોકરીમાંથી છૂટા કર્યા…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)17 માર્ચથી પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેમની સામે એસ્મા લાગુ કરાયો હોવા છતાં તેઓ પોતાની માગ પર અડગ છે. સરકારે અગાઉ તેમની હડતાળ સમેટી લેવા આદેશ કર્યો હતો પણ તેઓ સરકારની સૂચનાની નહીં માનતાં આખરે સરકારે 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા હતાં. તે ઉપરાંત 4 હજારથી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે. અત્યારસુધીમાં 10 હજારથી વધુ કર્મચારીને નોટિસ ફટકારી છે.
સરકારના પગલાને ગેરવાજબી ગણાવી લડત ચાલુ રાખવાની જાહેરાત
પ્રાપ્ત વિગતો પ્રમાણે હડતાળ પર ઉતરેલી પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ સામે હવે સરકારે પણ દંડો ઉગામ્યો છે. સરકાર દ્વારા કર્મચારી સંઘના મહામંત્રી આશિષ બારોટ સહિત 1100 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લામાં 400 જેટલા કર્મચારીઓને છૂટા કરાયા હતાં. આંદોલનકારી કર્મચારીઓએ મંગળવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘના અગ્રણીઓએ સરકારના પગલાને ગેરવાજબી ગણાવી લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : Gujarat Politics: પ્રધાન મંડળના વિસ્તરણની શક્યતાઓ સાથે જ કૉંગ્રસમાંથી ભાજપમાં આવેલા નેતાઓની આશાઓ ફરી જાગી
જીઆર ઠરાવ નહિ કરે ત્યાં સુધી આંદોલન યથાવત્
આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળનો નવમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેક્નિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. સરકાર જ્યાં સુધી જીઆર ઠરાવ નહિ કરે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.