Gujarat માં ગેરકાયદે ખનન સામે સરકારની લાલ આંખ, સુરેન્દ્રનગરમાં બે વર્ષમાં 165 કેસ કરી વસૂલાત કરાઇ…

અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકારે રાજ્યમાં ગેરકાયદે ચાલતી ખનન પ્રવુતિ સામે લાલ આંખ કરી છે. જેમાં કાર્બોસેલ ખનિજના ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહને નિયંત્રણમાં લાવવા રાઉન્ડ ધ ક્લોક ‘ક્વીક રિસ્પોન્સ ટીમ’ કાર્યરત છે. આ અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ગેરકાયદે ખનન અંગેના 165 કેસમાં રૂપિયા 288.96 લાખની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 22 કેસમાં 59 લોકો સામે રૂપિયા 159.67 લાખની કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી. જયારે જિલ્લાના 2200 જેટલા કૂવાઓમાં માટી પુરાણની કામગીરી કરવામાં આવી છે.
Also read : ગુજરાતમાં પોક્સો કેસમાં એક જ દિવસે ફટકારાઈ 7 બળાત્કારીઓને આજીવન કેદ
10 કેસમાં કુલ ૩૩ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કાર્બોસેલની ખાણોમાં ગેરકાયદે ખનન અને તે અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ મંત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં તપાસ ટીમો દ્વારા ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમિયાન વિવિધ માધ્યમોથી મળેલી ફરિયાદો અન્વયે કુલ 197 કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 165 કેસમાં રૂપિયા 288.96 લાખની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 10 કેસમાં કુલ ૩૩ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કાર્બોસેલ ખનીજની ચોરી અન્વયે કામગીરી કરવામાં આવી
મંત્રીએ જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા આ અંગે જ્યારે પણ ફરિયાદો કે અન્ય માહિતી મળે, ત્યારે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મુળી, સાયલા અને ચોટીલા તાલુકામાં સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની કચેરી અને ફલાઇંગ સ્ક્વૉડ તથા ગાંધીનગરની ટીમોએ સાથે મળીને વખતો વખત મુળી, સાયલા અને થાનગઢ તાલુકાઓમાં થતી કાર્બોસેલ ખનીજની ચોરી અન્વયે કામગીરી કરવામાં આવી છે.
Also read : દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટની રાહત! 400 કરોડનાં કથિત ફિશરીઝ કૌભાંડમાં કોર્ટે કર્યા ચાર્જમુક્ત
જિલ્લામાં અન્ય ખનીજની 344 લીઝ
આ ઉપરાંત તા.31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત લીઝની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે જિલ્લામાં કાર્બોસેલ ખનીજની કુલ 30 લીઝ કાર્યરત છે. જે પૈકી મુળી તાલુકામાં એક, જ્યારે થાનગઢ તાલુકામાં કુલ 29 લીઝ કાર્યરત છે. આ સિવાય જિલ્લામાં અન્ય ખનીજની 344 લીઝ આવેલી છે. જ્યારે છેલ્લાં બે વર્ષમાં જિલ્લામાં કાર્બોસેલ ખનીજની 30 લીઝમાંથી કુલ રૂપિયા 779.36 લાખ રોયલ્ટીની આવક થઈ છે. જ્યારે અન્ય ખનીજની 344 જેટલી લીઝમાંથી કુલ રૂપિયા 13559.36 લાખ રોયલ્ટીની આવક થઈ છે.
 
 
 
 


