ગુજરાતમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે સરકાર ચિંતિત, કેબિનેટ બેઠકમાં એકશન પ્લાન તૈયાર કરવા તાકીદ…

ગાંધીનગર : ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. જે અંગે આજે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચર્ચા વિચરણા કરવામાં આવી હતી. તેમજ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલે વાયુ પ્રદૂષણ સામે અત્યારથી જ એલર્ટ થઈને તેને ઘટાડવા માટેનો એક્શન પ્લાન દરેક વિભાગને સાથે રાખીને તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો.
અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં વધારો
હાલમાં અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે. જેમાં આજે સોલા વિસ્તારમાં AQI 203 આસપાસ પહોંચી ગયો, જે અત્યંત ચિંતાનો વિષય બન્યો છે. આ સિવાય બોડકદેવ, ગ્યાસપુર વિસ્તારમાં 191 AQI નોંધાયો. જ્યારે વટવા અને સાયન્સ સિટી વિસ્તારમાં 188 અને 184 AQI નોંધાયો છે.
શાળાઓમાં ટોઇલેટ બ્લોકની સાફ-સફાઈ હાથ ધરવા માટે આદેશ
આ ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ટોઇલેટ બ્લોકની ઝુંબેશ સ્વરૂપે વ્યાપક મરામત અને સાફ-સફાઈ હાથ ધરવા માટે આદેશ કર્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યભરની તમામ શાળાઓમાં ટોઇલેટ બ્લોકની સઘન તપાસ કરીને જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં ખાસ ઝુંબેશના ભાગરૂપે સેનિટેશન, ડ્રેઈનેજ, પાણીની સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત તાત્કાલિક ધોરણે મરામત કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી છે.
નદી-નાળાઓમાં થતી ગંદકીને અટકાવવા નિર્દેશ
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં રાજ્યના નદી-નાળાઓમાં ગંદકી અને પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો અને તેના ઉપાયો શોધીને વહેલામાં વહેલી તકે નદી-નાળાઓમાં થતી ગંદકીને અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે દિશા-નિર્દેશ કર્યા છે.
આ પણ વાંચો…અમદાવાદની હવામાં પ્રદૂષણ યથાવત્, જાણો તમારા વિસ્તારનો AQI કેટલો છે



