ગુજરાતમાં શૂન્ય વિદ્યાર્થીવાળી શાળાઓ સરકાર કરશે બંધ: શિક્ષણ વિભાગનો આદેશ

અમદાવાદ: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મહાનગરપાલિકાની શાળાઓના શાસનાધિકારીઓને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે અને જેમાં સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો છે કે જે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોય તેવી શાળાઓને તાતાક્લિક અસરથી બંધ કરવાની રહેશે અને જો બંધ નહી કરવામાં નહિ આવે તો જવાબદાર અધિકારીઓની જવાબદારી નિર્ધારિત કરવામાં આવશે.
સરકારના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના મહેકમ મંજૂરી પ્રક્રિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ, જિલ્લા અને નગર શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓની વિગતો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) મારફતે ભરવામાં આવશે. આથી, TPEO ને તેમના કાર્યક્ષેત્રની તમામ વિગતો અપડેટ રાખવા અને આ અંગે જરૂરી સૂચનાઓ આપવા જણાવાયું છે.


શૂન્ય બાળકો ધરાવતી શાળાઓ બંધ કરાશે
પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે પ્રાથમિક શાળાઓમાં શૂન્ય બાળકો હશે, તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. જો આ આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત TPEO, DPEO (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી), અને AO (એકાઉન્ટ્સ ઓફિસર) ની જવાબદારી નક્કી કરવામાં આવશે.
આભાસી સંખ્યા પર કડક નજર
શિક્ષણ વિભાગે એવી શાળાઓ પર ખાસ ધ્યાન આપવા જણાવ્યું છે કે જ્યાં એક કે બે વિદ્યાર્થી વધુ હોવાનું દર્શાવીને અથવા આભાસી સંખ્યાનું ચિત્ર ઊભું કરીને સંબંધિત શાળા દ્વારા વધારાના શિક્ષક મેળવવા કે મહેકમ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આવી શાળાઓની વિગતોની ચકાસણી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાતે જ કરવાની રહેશે.